ઇન-એન-આઉટ બર્ગર રેસ્ટોરન્ટ બહાર અંધાધૂંધ બંદૂકબારી: ગભરાટ વચ્ચે લોકોએ ભાગીને બચાવ્યો જીવ
યુનાઇટેડ સ્ટેટ્સમાં જાહેર સ્થળો પર ગોળીબાર અને સશસ્ત્ર હુમલાઓની ઘટનાઓ રોકાવાનું નામ નથી લઈ રહી. શનિવારે બપોરે ઇડાહો રાજ્યના ટ્વીન ફોલ્સ (Twin Falls) નામના શહેરમાં આવેલા એક અત્યંત સક્રિય અને વ્યસ્ત શોપિંગ વિસ્તારમાં એક હુમલાખોરે અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
આ ભયાનક રક્તપાતમાં ત્રણ લોકોના કરુણ મોત થયા છે, જ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે જવાબી ગોળીબાર કરીને હુમલાખોરને સ્થળ પર જ ઠાર માર્યો હતો.
બપોરના સમયે શોપિંગ સેન્ટરમાં ફેલાયો ગભરાટ
મળતી માહિતી મુજબ, આ લોહિયાળ ઘટના શનિવારે સ્થાનિક સમય અનુસાર બપોરે આશરે ૨:૩૦ વાગ્યે બની હતી. ટ્વીન ફોલ્સ વિસ્તારમાં આવેલા જાણીતા ‘ઇન-એન-આઉટ બર્ગર’ (In-N-Out Burger) રેસ્ટોરન્ટ અને નજીકના શોપિંગ કોમ્પ્લેક્સ પાસે શનિવારની રજાના કારણે લોકોની ભારે ભીડ હતી.
એ જ સમયે એક અજાણ્યો બંદૂકધારી હાથમાં રાઇફલ સાથે ત્યાં આવી પહોંચ્યો હતો અને અચાનક નાગરિકો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અચાનક ગોળીઓના અવાજ સંભળાતા જ સમગ્ર વિસ્તારમાં ચીસાચીસ અને ભારે અફરાતફરી મચી ગઈ હતી. લોકો પોતાના બચાવ માટે નજીકની દુકાનો, વાહનોની પાછળ અને રેસ્ટોરન્ટમાં છુપાવવા માટે દોડવા લાગ્યા હતા.
પોલીસની ત્વરિત કાર્યવાહી: વળતા પ્રહારમાં શૂટર ઠાર
ઘટના અંગે ઇમરજન્સી કોલ મળતાં જ ટ્વીન ફોલ્સ પોલીસ વિભાગ અને સ્થાનિક સુરક્ષાદળોની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર શોપિંગ કોમ્પ્લેક્સને ઘેરી લીધું હતું. અધિકારીઓએ હુમલાખોરને હથિયાર નીચે મૂકીને શરણાગતિ સ્વીકારવા માટે ચેતવણી આપી હતી, પરંતુ શૂટરે પોલીસ ટીમ પર પણ ગોળીબાર ચાલુ રાખ્યો હતો.
પરિણામે, પોલીસે પોતાના બચાવમાં અને નાગરિકોની સુરક્ષા માટે સખત વળતો ગોળીબાર કર્યો હતો, જેમાં હુમલાખોર વિંધાઈ ગયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
સોશિયલ મીડિયા પર વાયરલ થયા ભયાનક વીડિયો
આ હુમલા સાથે જોડાયેલા કેટલાક આંચકાજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં હુમલાખોર એઆર-સ્ટાઇલ (AR-style) ની સેમી-ઓટોમેટિક રાઇફલ હાથમાં લઈને ઇન-એન-આઉટ બર્ગર રેસ્ટોરન્ટની સામે ખુલ્લેઆમ ફરતો જોવા મળે છે.
જ્યારે બીજા વીડિયોમાં તે પાર્કિંગ લોટમાં ઊભેલી કારો વચ્ચે આડેધડ ગોળીઓ ચલાવતો નજરે પડે છે. આ દ્રશ્યોએ સ્થાનિક રહેવાસીઓ અને સમગ્ર અમેરિકામાં ભયનો માહોલ પેદા કર્યો છે.
પોલીસ વડાનું સત્તાવાર નિવેદન: ‘હવે કોઈ ખતરો નથી’
ઘટનાના આશરે એક કલાક બાદ ટ્વીન ફોલ્સ પોલીસ વિભાગે પ્રેસ કોન્ફરન્સ યોજીને પરિસ્થિતિ કાબૂમાં હોવાની પુષ્ટિ કરી હતી. પોલીસ વડા મેથ્યુ હિક્સે જણાવ્યું હતું કે, “શંકાસ્પદ બંદૂકધારીને પોલીસે ગોળી મારીને નિષ્ક્રિય કરી દીધો છે. હવે સ્થાનિક સમુદાય કે નાગરિકો માટે કોઈ ખતરો નથી.”
પોલીસ વડાએ વધુમાં ઉમેર્યું કે સુરક્ષાદળો હાલમાં માર્યા ગયેલા હુમલાખોરની સત્તાવાર ઓળખ મેળવવા અને આ નિર્મમ હુમલા પાછળનો તેનો અસલી હેતુ (મોર્ટિવ) શું હતો તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે.
માર્ગો બંધ કરાયા અને અમેરિકામાં બંદૂક કાયદા પર ફરી ચર્ચા
ઘટના બાદ સાવચેતીના પગલે પોલીસે શોપિંગ સેન્ટર તરફ જતા મુખ્ય માર્ગો, શેરીઓ અને નજીકના બ્રિજને અસ્થાયી રૂપે સીલ કરી દીધા હતા. આશરે ૫૫,૦૦૦ ની વસ્તી ધરાવતું શાંત શહેર ટ્વીન ફોલ્સ પણ હવે અમેરિકામાં અવારનવાર થતા ‘માસ શૂટિંગ’ (સમૂહ ગોળીબાર) થી પ્રભાવિત શહેરોની યાદીમાં સામેલ થઈ ગયું છે.
તાજેતરના સમયમાં યુ.એસ.માં પબ્લિક પ્લેસ, ફૂડ ફેસ્ટિવલ, ધાર્મિક સ્થળો અને શોપિંગ મોલ્સમાં બંદૂક વડે થતા હુમલાઓમાં ચિંતાજનક વધારો થયો છે. ઇડાહોની આ ઘટનાએ અમેરિકામાં નાગરિકોને સરળતાથી મળતા હથિયારો અને શિથિલ ‘ગન લો’ (બંદૂક નિયંત્રણ કાયદા) પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.