“અમેરિકાની પોકળ વાતોથી કોઈ ડરશે નહીં”: ઈરાની સંસદ સ્પીકર ગલિબાફનો તીખો પલટવાર
અમેરિકા અને ઈરાન વચ્ચેનો ભૌગોલિક-રાજકીય તણાવ હવે આંતરરાષ્ટ્રીય આર્થિક યુદ્ધના સ્વરૂપમાં ફેરવાઈ ગયો છે. વાશિંગ્ટને વિશ્વભરના દેશો અને આંતરરાષ્ટ્રીય કંપનીઓને ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે તેઓ ઈરાનને આર્થિક કે અન્ય કોઈપણ પ્રકારનું સમર્થન આપતી પોતાની તમામ ગતિવિધિઓને નિર્ધારિત સમયમર્યાદામાં તુરંત અસરથી બંધ કરી દે. જો કોઈ દેશ કે સંસ્થા આ કડક નિર્દેશોનું પાલન નહીં કરે, તો તેમણે અમેરિકાના આકરા આર્થિક પ્રતિબંધો અને આંતરરાષ્ટ્રીય નાણાકીય બહિષ્કારનો સામનો કરવો પડશે.
ઈરાનની આર્થિક જીવનરેખા કાપવાનો અમેરિકી પ્લાન
અમેરિકાના નાણામંત્રી (US Treasury Secretary) સ્કોટ બેસન્ટે આ આક્રમક વ્યૂહરચના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ અભિયાનનો મુખ્ય ધ્યેય ઈરાન સરકારની આવકના તમામ સ્ત્રોતોને કાયમ માટે બંધ કરી દેવાનો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે વોશિંગ્ટન ઈરાની શાસનને મળતા નાણાકીય સમર્થનને અટકાવવા માટે દરેક સંભવિત પગલાં ભરી રહ્યું છે.
સ્કોટ બેસન્ટે કડક શબ્દોમાં વિદેશી સરકારો અને કંપનીઓને પોતાના સંબંધો પર પુનર્વિચાર કરવા દબાણ કરતા કહ્યું હતું કે, “ઈરાનને ગેરકાયદેસર રીતે નાણાંની લોન્ડરિંગ કરવામાં કે તેલ વેચવામાં મદદ કરતી કોઈપણ એન્ટિટીને યુએસ ડોલર સિસ્ટમમાંથી સંપૂર્ણપણે બાકાત કરવામાં આવશે. અમારું લક્ષ્ય આ આક્રમક શાસનને ટકાવી રાખતી દરેક આર્થિક જીવનરેખાને કાપી નાખવાનું છે, જેથી તેહરાન વૈશ્વિક સ્તરે સાવ એકલું પડી જાય.”
‘ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ’ અને ૬૦ સંસ્થાઓ પર પ્રતિબંધ
અમેરિકા દ્વારા શરૂ કરાયેલા ખાસ “ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ” (Operation Economic Outcast) હેઠળ યુએસ ટ્રેઝરી વિભાગે ઈરાન સાથે જોડાયેલી આશરે ૬૦ જેટલી સંસ્થાઓ, વ્યક્તિઓ અને દરિયાઈ જહાજો પર નવા આકરા પ્રતિબંધો લાદી દીધા છે. આ પ્રતિબંધોમાં ઈરાનના તેલ વેપાર, પરમાણુ કાર્યક્રમ, મિસાઈલ ટેકનોલોજી અને સાયબર નેટવર્ક સાથે સંકળાયેલા એકમોનો સમાવેશ થાય છે.
US Treasury Secretary Scott Bessent on Monday laid out plans for the "economic asphyxiation" of Iran, expanding Washington's secondary sanctions threats and warning of dire consequences for countries that do not join the campaign. https://t.co/HoM7cm7fiE pic.twitter.com/CSoGXXS2on
— AFP News Agency (@AFP) August 24, 2026
બેસન્ટે વધુમાં ઉમેર્યું હતું કે ટ્રેઝરી વિભાગે એવા ગુપ્ત અને પ્રત્યક્ષ નેટવર્ક્સને ઓળખી કાઢ્યા છે જેનો ઉપયોગ ઈરાન તેલની દાણચોરી કરવા, ભંડોળ મેળવવા અને અમેરિકી પ્રતિબંધોમાંથી બચવા માટે કરી રહ્યું હતું. હવે યુએસ ટ્રેઝરી, સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને અમેરિકી સૈન્યની સંયુક્ત ટુકડીઓ વિશ્વભરના પોતાના સમકક્ષ અધિકારીઓ સાથે સતત મુલાકાતો કરી રહી છે, જેથી તેઓ ઈરાન સામે સત્વરે કાનૂની અને આર્થિક કાર્યવાહી કરે.
ઈરાનનો તીખો પલટવાર: “અમેરિકાની પોકળ વાતોથી કોઈ નહીં ડરે”
અમેરિકાની આ ખુલ્લી ધમકીઓ સામે ઈરાની નેતાગીરીએ પણ અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગલિબાફે વોશિંગ્ટનની વિદેશી દેશોને સજા કરવાની ચેતવણીઓને માત્ર “મોટી-મોટી અને પોકળ વાતો” ગણાવીને ફગાવી દીધી છે.
ગલિબાફે દાવો કર્યો હતો કે અમેરિકા ભલે ગમે તેટલી ધમકીઓ આપે, પરંતુ ઈરાનના પરંપરાગત અને મજબૂત વેપારી ભાગીદાર દેશો અમેરિકાના એકતરફી પ્રતિબંધોનું પાલન કરશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે તેહરાન બાહ્ય દબાણ સામે ઝૂકવાને બદલે પોતાના આંતરરાષ્ટ્રીય વેપારી સંબંધોને વધુ મજબૂત બનાવશે.
