સેન્ડપેપરગેટ કાંડના 8 વર્ષ બાદ ઉસ્માન ખ્વાજાનો મોટો ખુલાસો, કહ્યું- આખી ઓસ્ટ્રેલિયન ટીમને બોલ ટેમ્પરિંગની જાણ હતી!
ઓસ્ટ્રેલિયન ક્રિકેટના ઇતિહાસના સૌથી વિવાદાસ્પદ પ્રકરણોમાં સામેલ 2018ના સેન્ડપેપરગેટ કાંડને લઈને ફરી એકવાર મોટો વિવાદ ઊભો થયો છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ આઠ વર્ષ જૂના બોલ ટેમ્પરિંગ કાંડ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ખ્વાજાના દાવા પ્રમાણે, દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી દરમિયાન બોલ સાથે ચેડાં કરવાની જાણકારી માત્ર સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમેરન બેનક્રોફ્ટને જ નહોતી, પરંતુ ઓસ્ટ્રેલિયાની આખી ટીમ આ બાબતથી વાકેફ હતી. તેમણે એવો પણ દાવો કર્યો છે કે આ ઘટનામાં માત્ર ત્રણ ખેલાડીઓને જવાબદાર ઠેરવવા યોગ્ય નહોતું. ખ્વાજાના આ નિવેદનથી વર્ષો જૂનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે તેમનો આ દાવો ઓસ્ટ્રેલિયાના કેટલાક અગ્રણી બોલરો દ્વારા અગાઉ આપવામાં આવેલા નિવેદનથી અલગ છે.
ઉસ્માન ખ્વાજાએ આ ખુલાસો ‘સિડની મોર્નિંગ હેરાલ્ડ’ને આપેલા એક ઇન્ટરવ્યુમાં કર્યો છે. આ ઉપરાંત, તેમની આત્મકથા ‘સબર્ર’માં પણ આ વિવાદ અંગે કેટલીક મહત્વપૂર્ણ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમની આત્મકથા ટૂંક સમયમાં પ્રકાશિત થવાની છે. ખ્વાજાના નિવેદનથી સવાલ ઊભો થયો છે કે શું 2018ના આ કાંડની તપાસ દરમિયાન તમામ સંબંધિત ખેલાડીઓની યોગ્ય રીતે પૂછપરછ કરવામાં આવી હતી?

‘આપણે બધા જાણતા હતા’, ખ્વાજાએ આખી ટીમ પર મૂક્યો સવાલ
ઉસ્માન ખ્વાજાએ પોતાના ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બોલ ટેમ્પરિંગની જાણકારી માત્ર ત્રણ ખેલાડીઓ સુધી મર્યાદિત નહોતી. તેમના મતે, ટીમના બેટ્સમેન, બોલર્સ અને સપોર્ટ સ્ટાફ સહિત તમામ લોકોને આ બાબતની જાણ હતી.ખ્વાજાએ કહ્યું, “આપણે બધા તેમાં સામેલ હતા. ન તો બેટ્સમેન અલગ હતા, ન બોલર્સ અને ન તો સપોર્ટ સ્ટાફ. આપણે બધા આ વાત જાણતા હતા.”
તેમણે વધુમાં જણાવ્યું કે ઘટના સામે આવ્યા બાદ જ્યારે ડ્રેસિંગ રૂમમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી, ત્યારે તેમણે તમામ ખેલાડીઓને એક ટીમ તરીકે જવાબદારી સ્વીકારવાની અપીલ કરી હતી. ખ્વાજાનું માનવું હતું કે બોલ ટેમ્પરિંગ જેવા ગંભીર મામલામાં માત્ર ત્રણ ખેલાડીઓ પર સમગ્ર જવાબદારી નાખવી યોગ્ય નહોતું.જોકે, તે સમયે તેમની વાતને સ્વીકારવામાં આવી નહોતી. આ ઘટનામાં સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમેરન બેનક્રોફ્ટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ખ્વાજાના મતે, આ ત્રણેય ખેલાડીઓએ લાંબા સમય સુધી એકલા આ વિવાદનો ભાર સહન કર્યો હતો.
શું હતો 2018નો સેન્ડપેપરગેટ કાંડ? ત્રણ ખેલાડીઓ પર લાગી હતી કાર્યવાહી
માર્ચ 2018માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન બોલ ટેમ્પરિંગનો મામલો સામે આવ્યો હતો. મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન કેમેરન બેનક્રોફ્ટને સેન્ડપેપર વડે બોલની સપાટી સાથે ચેડાં કરતા કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા. આ ઘટનાના વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં ભારે હોબાળો મચી ગયો હતો.ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના તત્કાલીન કેપ્ટન સ્ટીવ સ્મિથે સ્વીકાર્યું હતું કે ટીમના લીડરશિપ ગ્રુપ દ્વારા બોલ ટેમ્પરિંગની યોજના બનાવવામાં આવી હતી. આ ઘટનાની તપાસ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ત્રણ ખેલાડીઓ સામે કડક કાર્યવાહી કરી હતી.
સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર 12-12 મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જ્યારે કેમેરન બેનક્રોફ્ટને નવ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સ્મિથ પર વધારાના 12 મહિના સુધી કેપ્ટનશિપ કરવાનો પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો. વોર્નર પરનો આજીવન કેપ્ટનશિપ પ્રતિબંધ 2024માં હટાવી લેવામાં આવ્યો હતો.ખ્વાજાએ પોતાના તાજેતરના નિવેદનમાં એવો પણ દાવો કર્યો છે કે દક્ષિણ આફ્રિકા સામેની આ શ્રેણીના અગાઉના ગકેબેરહા ટેસ્ટમાં પણ સેન્ડપેપરનો ઉપયોગ થયો હતો. જોકે, આ બાબતને તેમના દાવા તરીકે જ જોવી જરૂરી છે.

તપાસ પ્રક્રિયા પર પણ ઉઠાવ્યા સવાલ, ચાર બોલરોના જૂના નિવેદનથી વિરોધાભાસ
ઉસ્માન ખ્વાજાએ માત્ર બોલ ટેમ્પરિંગની ઘટના અંગે જ નહીં, પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવેલી તપાસ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે તેઓ સમગ્ર ટેસ્ટ મેચ દરમિયાન કેમેરન બેનક્રોફ્ટની નજીક બેઠા હતા, તેમ છતાં તપાસ દરમિયાન તેમની પૂછપરછ કરવામાં આવી નહોતી.ખ્વાજાના જણાવ્યા પ્રમાણે, તેઓ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધિકારીઓના ફોનની રાહ જોતા રહ્યા હતા, પરંતુ કોઈએ તેમનો સંપર્ક કર્યો નહોતો. તેમને આશ્ચર્ય થયું હતું કે તપાસ પૂર્ણ થઈ ગઈ અને ખેલાડીઓને સજા પણ સંભળાવી દેવામાં આવી, પરંતુ તેમનું નિવેદન સુધ્ધાં લેવામાં આવ્યું નહીં.
ખ્વાજાએ એવો પણ સંકેત આપ્યો કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને કદાચ પહેલેથી જ ખબર હતી કે તેઓ આ મામલે સમગ્ર ટીમની જવાબદારીની વાત કરશે. આ જ કારણસર તેમની પૂછપરછ કરવામાં આવી ન હોય તેવી તેમની માન્યતા છે.જોકે, ખ્વાજાના દાવા અને અગાઉના કેટલાક ખેલાડીઓનાં નિવેદનો વચ્ચે મોટો વિરોધાભાસ છે. 2021માં મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ અને નાથન લાયને સંયુક્ત નિવેદન આપીને બોલ ટેમ્પરિંગ અંગેની જાણકારી હોવાનો ઇનકાર કર્યો હતો.
