ICCની મોટી જાહેરાત: નેપાળમાં યોજાશે વર્લ્ડ કપ ક્વોલિફાયર પ્લે-ઓફ, 4 ડિસેમ્બરથી થશે જંગ; ભારત-પાકિસ્તાન વચ્ચે 10 ઓક્ટોબરે મુકાબલો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ 2027ના મેન્સ ODI વર્લ્ડ કપને લઈને એક મોટી જાહેરાત કરી છે. આગામી વર્લ્ડ કપમાં સ્થાન મેળવવા માટેની ક્વોલિફાયર પ્લે-ઓફ ટુર્નામેન્ટનું આયોજન નેપાળમાં કરવામાં આવશે. આ ટુર્નામેન્ટની શરૂઆત 4 ડિસેમ્બરથી થશે, જેમાં વિશ્વની આઠ ટીમો વચ્ચે ચાર મહત્વપૂર્ણ સ્થાન મેળવવા માટે જોરદાર સ્પર્ધા જોવા મળશે. યજમાન નેપાળ પોતાની પ્રથમ મેચમાં ઇટાલી સામે ટકરાશે. આ ઉપરાંત નામિબિયા, યુગાન્ડા, કેનેડા, કુવૈત, જર્સી અને UAEની ટીમો પણ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.
આ સ્પર્ધા તમામ ટીમો માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે, કારણ કે અહીં મળેલી સફળતા તેમના 2027ના ODI વર્લ્ડ કપ સુધી પહોંચવાના સપનાને સાકાર કરી શકે છે. ICC દ્વારા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા બાદ ક્રિકેટ ચાહકોની નજર હવે નેપાળમાં યોજાનારી આ ટુર્નામેન્ટ પર ટકેલી છે.

નેપાળમાં 4 ડિસેમ્બરથી શરૂ થશે ક્વોલિફાયર પ્લે-ઓફ
ICC દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર, ટુર્નામેન્ટની પ્રથમ મેચ 4 ડિસેમ્બરે યજમાન નેપાળ અને ઇટાલી વચ્ચે રમાશે. આ મુકાબલો ત્રિભુવન યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાશે. બીજી તરફ, આ જ દિવસે મુલપાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર નામિબિયા અને યુગાન્ડા વચ્ચે મેચ રમાશે. આમ, શરૂઆતના દિવસથી જ ક્રિકેટ ચાહકોને બે રસપ્રદ મુકાબલા જોવા મળશે.
આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લેશે. તેમાં નેપાળ, ઇટાલી, નામિબિયા, યુગાન્ડા, કેનેડા, કુવૈત, જર્સી અને સંયુક્ત આરબ અમીરાત (UAE)નો સમાવેશ થાય છે. આ તમામ ટીમોનું લક્ષ્ય ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ટોચની ચાર ટીમોમાં સ્થાન મેળવવાનું રહેશે.નેપાળ માટે આ ટુર્નામેન્ટ ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે તેને પોતાના ઘરઆંગણે રમવાનો ફાયદો મળશે. પ્રથમ જ મેચમાં ઇટાલી સામે મેદાનમાં ઉતરનારી નેપાળની ટીમ જીત સાથે અભિયાન શરૂ કરવાનો પ્રયાસ કરશે. જોકે, અન્ય સાત ટીમો પણ વર્લ્ડ કપમાં સ્થાન મેળવવાની આશા સાથે મજબૂત પડકાર રજૂ કરશે.
2027 વર્લ્ડ કપ માટે ક્વોલિફિકેશનનું ગણિત, ચાર સ્થાન હજુ બાકી
2027ના ODI વર્લ્ડ કપમાં કુલ 14 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ માટેની ક્વોલિફિકેશન પ્રક્રિયા હેઠળ 10 ટીમો વૈશ્વિક ક્વોલિફાયર સુધી પહોંચશે. તેમાંથી છ ટીમોએ પોતાનું સ્થાન પહેલેથી જ નિશ્ચિત કરી લીધું છે. આયર્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝે તેમની રેન્કિંગના આધારે ક્વોલિફિકેશન મેળવ્યું છે. જ્યારે USA, સ્કોટલેન્ડ, નેધરલેન્ડ અને ઓમાનની ટીમોએ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ-2 દ્વારા સ્થાન મેળવ્યું છે.
હવે બાકીના ચાર સ્થાન માટે નેપાળમાં ક્વોલિફાયર પ્લે-ઓફ યોજાશે. આઠ ટીમો વચ્ચેની સ્પર્ધા બાદ ટોચની ચાર ટીમો આગળની ક્વોલિફિકેશન પ્રક્રિયામાં સ્થાન મેળવશે. ત્યારબાદ યોજાનારી વૈશ્વિક ક્વોલિફાયરમાંથી વિજેતા ટીમને 2027ના વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી મળશે. જ્યારે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને રહેનારી ટીમો નવી સુપર સિરીઝમાં ભાગ લેશે.આ રીતે નેપાળમાં યોજાનારી પ્લે-ઓફ ટુર્નામેન્ટ માત્ર આઠ ટીમો માટેની સામાન્ય સ્પર્ધા નહીં હોય, પરંતુ 2027ના વર્લ્ડ કપ સુધી પહોંચવા માટેનો મહત્વપૂર્ણ પડાવ સાબિત થશે. દરેક ટીમ માટે અહીંની દરેક મેચનું પરિણામ આગળની સફર નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાશે વર્લ્ડ કપ; ભારતનું શિડ્યુલ પણ જાહેર
2027 ICC મેન્સ ODI વર્લ્ડ કપનું આયોજન દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. આ મહાકુંભ 2 ઓક્ટોબરથી 21 નવેમ્બર સુધી રમાશે. ટુર્નામેન્ટમાં કુલ 14 ટીમો ભાગ લેશે અને 12 સ્થળો પર કુલ 57 મેચોનું આયોજન કરવામાં આવશે.
સહ-યજમાન દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેએ યજમાન તરીકે ટુર્નામેન્ટમાં સીધું સ્થાન મેળવી લીધું છે. જોકે, ત્રીજા સહ-યજમાન નામિબિયાએ વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે ક્વોલિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.ભારતીય ક્રિકેટ ચાહકો માટે પણ વર્લ્ડ કપનું શિડ્યુલ ખાસ રસપ્રદ છે. ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત 7 ઓક્ટોબરે કેપ ટાઉનના ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે કરશે. આ મુકાબલો ટુર્નામેન્ટની શરૂઆતમાં જ ભારત માટે મોટો પડકાર બની શકે છે.
ત્યારબાદ 10 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-પ્રોફાઈલ મુકાબલો રમાશે. આ મેચ જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં યોજાશે. બંને દેશો વચ્ચેની ક્રિકેટ મેચને લઈને હંમેશાં ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે, તેથી આ મુકાબલા પર પણ સૌની નજર રહેશે.ભારત પોતાની ત્રીજી મેચ 14 ઓક્ટોબરે સેન્ચુરિયનમાં રમશે, જ્યાં તેનો સામનો ક્વોલિફાયર દ્વારા વર્લ્ડ કપમાં સ્થાન મેળવનારી ટીમોમાંથી એક સામે થશે. ત્યારબાદ 24 ઓક્ટોબરે ભારતીય ટીમ સહ-યજમાન ઝિમ્બાબ્વે સામે ટકરાશે. આ મેચ વિક્ટોરિયા ફોલ્સ સ્ટેડિયમમાં રમાવાની છે.
