18 જાન્યુઆરીએ વડોદરામાં ધમાકેદાર MMA મુકાબલા, દેશભરના ટોચના ફાઇટર્સ ઉતરશે રિંગમાં
વડોદરામાં રમતગમત ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. ‘ધ ડોજો MMA & ફિટનેસ’ ના નેજા હેઠળ વડોદરામાં પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરની મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA) ટુર્નામેન્ટ ‘ડોજો ફાઇટ લીગ’ (DFL) નું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ દ્વારા ભારતના ઉભરતા ફાઇટર્સને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આ ૧૮ જાન્યુઆરીના રોજ યોજાનારી ટુર્નામેન્ટમાં શિસ્ત અને ખેલદિલીના સમન્વય સાથે ખેલાડીઓ રિંગમાં ઉતરશે.
મહિલા ફાઇટર્સ સહિત દેશભરમાંથી મોટી એન્ટ્રી
ટુર્નામેન્ટના આયોજક અને પ્રો MMA ફાઇટર ઇશિકા થીટેએ જણાવ્યું હતું કે, આ એમેચ્યોર લેવલની ટુર્નામેન્ટ માટે અત્યાર સુધીમાં ભારતભરમાંથી ૮૫ જેટલી એન્ટ્રીઓ મળી છે. ગુજરાતના ફાઇટર્સમાં પણ આ રમત પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સ્પર્ધામાં કુલ ૧૦ કેટેગરી રાખવામાં આવી છે, જેમાં ખાસ કરીને મહિલાઓ માટે બે અલગ કેટેગરીનો સમાવેશ થાય છે, જે રમતગમતમાં સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
બોલિવૂડ સ્ટાર ટાઇગર શ્રોફ અને MFN નો સહયોગ
આ લીગની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં પ્રદર્શન કરનાર શ્રેષ્ઠ ફાઇટર્સને ભારતની પ્રતિષ્ઠિત ‘મેટ્રિક્સ ફાઇટ નાઇટ’ (MFN) માં પસંદગી પામવાની સુવર્ણ તક મળશે. ટાઇગર શ્રોફ, કૃષ્ણા શ્રોફ અને આયેશા શ્રોફ ભારતમાં MMA રમતને પ્રોત્સાહન આપવામાં અગ્રેસર છે. હવે તેઓ MFN અને BKFC ની સાથે DFL જેવી એમેચ્યોર લીગને પણ સમર્થન આપી રહ્યા છે, જેનાથી પાયાના સ્તરે રહેલી પ્રતિભાઓને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચવામાં મદદ મળશે.
શિસ્ત અને ઉજ્જવળ ભવિષ્યની નેમ
DFL નો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ફાઇટ કરાવવાનો જ નહીં, પરંતુ ખેલાડીઓમાં માનસિક મજબૂતી અને શિસ્ત કેળવવાનો છે. ભારતની રમતગમત ક્ષેત્રે વૈશ્વિક હાજરી વધે અને વધુમાં વધુ યુવાનો આ સાહસિક રમત તરફ વળે તેવા પ્રયાસો આ લીગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ૧૮ જાન્યુઆરીએ વડોદરામાં યોજાનારી આ ફાઇટ નાઇટ રમત પ્રેમીઓ માટે એક યાદગાર અનુભવ બની રહેશે.
