‘વૃક્ષો જ સાચી ઓક્સિજન ફેક્ટરી’: વડોદરા મેરેથોનમાં શશીકાંત પાંડાએ આપ્યો ભાવિ પેઢી માટેનો સંદેશ
વડોદરામાં યોજાયેલી આ વર્ષની મેરેથોનમાં પર્યાવરણ સંરક્ષણ માટે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. મૂળ ઓડિશાના અને હાલ વડોદરામાં વસતા ૩૦ વર્ષીય શશીકાંત પાંડાએ પોતાની પીઠ પર છોડ બાંધીને ૧૦ કિલોમીટરની દોડ પૂર્ણ કરી હતી. આ છોડને તેમણે ‘કુદરતી ઓક્સિજન સિલિન્ડર’ તરીકે દર્શાવીને શહેરવાસીઓને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને પ્રદૂષણ ઘટાડવાનો પ્રભાવશાળી સંદેશ આપ્યો હતો.
કોરોનાના કડવા અનુભવમાંથી મળી પ્રેરણા
શશીકાંત પાંડા કોવિડ-૧૯ મહામારી દરમિયાન બે વાર કોરોના સંક્રમિત થયા હતા. તે સમયે તેમને ઓક્સિજનની તીવ્ર જરૂરિયાત ઊભી થઈ હતી, જે અનુભવે તેમને વૃક્ષોનું મહત્વ સમજાવ્યું. તેમણે જોયું કે જે રીતે આપણે અત્યારે પીવાનું પાણી ખરીદીએ છીએ, જો વૃક્ષો કાપવાનું ચાલુ રહેશે તો ભવિષ્યમાં શુદ્ધ હવા (ઓક્સિજન) પણ ખરીદવાનો વારો આવશે. આ સંકલ્પ સાથે તેઓ હવે દરેક મેરેથોનમાં ભાગ લઈને જનજાગૃતિ ફેલાવી રહ્યા છે.
ફિટ ઇન્ડિયા અને પ્રદૂષણ મુક્ત ભારતનો સંકલ્પ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ફિટ ઇન્ડિયા’ અને પ્રદૂષણ નિયંત્રણ અભિયાનને સમર્થન આપતા શશીકાંતે મેરેથોન પહેલા અને પછી સાયકલિંગ પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વ્યક્તિગત વાહનોનો ઉપયોગ ઘટાડી જાહેર પરિવહન અને સાયકલિંગ અપનાવવાથી ટ્રાફિક અને વાયુ પ્રદૂષણ બંનેમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.
વૃક્ષો: આપણી સાચી ઓક્સિજન ફેક્ટરી
તેમની અનોખી રજૂઆત – મોઢે માસ્ક અને પીઠ પર જીવંત છોડ – દરેક દોડવીર અને શહેરવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. શશીકાંત માને છે કે જો પ્રકૃતિ સુરક્ષિત રહેશે તો જ માનવજાતનું અસ્તિત્વ ટકી રહેશે. ૨૦૧૭થી વડોદરામાં ફાર્મસી કંપનીમાં નોકરી કરતા શશીકાંત પાંડા આજે વડોદરાના લોકો માટે પર્યાવરણ દૂત સમાન બની ગયા છે.

