આજે વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુલાકાતને લઈ તંત્રમાં ધમધમાટ જોવા મળ્યો છે. તેઓ આજે વડોદરા મહાનગરપાલિકા આયોજિત બાળમેળા, વડોદરા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા યોજાઈ રહેલા વી.સી.સી.આઈ. એક્સપોનું ઉદ્ઘાટન કરનાર છે અને વડાપ્રધાન મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં પણ વડોદરાથી જોડાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કમાટીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત 50મા બાળમેળાનું ઉદ્ઘાટન કરશે.
ત્યારબાદ તેઓ નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહેલા વી.સી.સી.આઈ. એક્સપોનું ઉદ્ઘાટન કરશે.
ધો. 10-12ના વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો હાઉ દૂર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું માંજલપુર સ્થિત આત્મીય વિદ્યાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાશે અને લાઇવ પ્રસારણ નિહાળશે
શહેરની સાથે સમગ્ર જિલ્લામાં કાર્યક્રમ થશે પરીક્ષા પે ચર્ચા -2023 અંતર્ગત 27 જાન્યુઆરીના રોજ સવારે 11 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલા પરીક્ષાના ભયને દુર કરવા માટે વિદ્યાર્થીઓ સાથે સીધા સંવાદની છઠ્ઠી આવૃત્તિનું તાલ-કટોરા સ્ટેડીયમ, નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેનું જીવંત પ્રસારણ થવાનું છે,જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આત્મીય વિદ્યાલય, માંજલપુર, વડોદરા ખાતે 27 જાન્યુઆરીના રોજ સવારે 10 કલાકે આ કાર્યક્રમમાં સહભાગી થઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડશે. આ કાર્યક્રમમાં મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ, સાંસદ, જિ.પં.પ્રમુખ, મેયર, ધારાસભ્યઓ તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ અને 1 હજારથી વધુ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો, વાલીઓ વિગેરે હાજર રહેશે.
વડોદરામાં રૂરલ એરિયામાં વાઘોડિયામાં ડૉ.એન.જી.શાહ હાઇસ્કુલ, ડભોઇમાં દયારામ હાઇસ્કુલ, શિનોરમાં ભારત હાઇસ્કુલ, સાધલી ખાતે, પાદરામાં ઝેન સ્કુલ, કરજણમાં માનવ કેન્દ્ર સ્કુલ, કંડારી ખાતે, સાવલીમાં ગુરૂ મુકુટ રામજી સ.મા.શાળા, મંજુસર ખાતે, ડેસરમાં શ્રી એમ.કે.હાઇસ્કુલ, ખાતે અને વડોદરા ગ્રામ્યમાં શ્રી બળીયાદેવ હાઇસ્કુલ, પોર ખાતે પણ પીએમ મોદીના આ જીવંત પ્રસારણ માટે વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો જોડાશે.