ગોત્રીમાં ચેતન વાળંદ આપઘાત કેસમાં નામચીન સાજન ભરવાડ અને તેના બે ભાઈઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પોલીસે ત્રણેની અટકાયત કરી છે.
ગોત્રીના સાજન ભરવાડ, વિઠ્ઠલ ભરવાડ અને સુરેશ ભરવાડ સહિત વ્યાજખોર ત્રિપુટીને કોર્ટમાં રજૂ કરી પોલીસે નવ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
સાજન ભરવાડ અગાઉ બોગસ ડોક્યુમેન્ટ બનાવી મિલકત પચાવી પાડવાના કેસમાં પણ પાસામાં ધકેલાયો હતો. તેના બે ભાઈ સુરેશ અને વિઠ્ઠલ સામે પણ તપાસ ચાલુ છે.
બીજી તરફ ગોત્રી વિસ્તારમાં સાજન ભરવાડે ડ્રાફ્ટ ટીપીમાં પાલિકાના હેલ્થ સેન્ટરના રિઝર્વેશનના પ્લોટ પર કબ્જો જમાવ્યો હોવાની પાલિકાને ફરિયાદો મળી છે. બીજી તરફ પ્લોટના મૂળ માલિકને સરકારે બે સ્થળોએ ફાઇનલ પ્લોટ ફાળવી આપ્યા છે અને ત્યાં બાંધકામ પણ શરૂ થયું હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે.
ગોત્રીમાં સાજન ભરવાડ અને તેના ભાઈઓના ત્રાસથી ચેતન વાળંદે આપઘાત કર્યો હોવાની ફરિયાદના આધારે ગોત્રી પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી સાજન ભરવાડ અને તેના ભાઈ સુરેશ અને વિઠ્ઠલની અટકાયત કરી આગળની તપાસ શરૂ કરી છે. ત્યારે ગોત્રી વિસ્તારમાં આવેલા કુણાલ ચાર રસ્તા પાસેના પાલિકાના ડ્રાફ્ટ ટીપીના સૂચિત હેલ્થ સેન્ટરના રિઝર્વેશન પ્લોટ પર સાજન ભરવાડે કબ્જો કરી દબાણ કર્યા હોવાની ફરિયાદો પાલિકાને મળી છે.
સૂત્રો મુજબ પ્લોટ પર ખાણીપીણી અને ઓટો ગેરેજ ધારકોને સાજને જગ્યા ભાડે આપી છે અને તેનાથી લાખોમાં આવક મેળવે છે. ડ્રાફ્ટ ટીપી 61ના 198 નંબરના પાલિકાના દવાખાના માટેનો રિઝર્વેશન પ્લોટ પર આવેલો છે. અગાઉ આ જમીનના માલિકને બે સ્થળોએ ફાઇનલ પ્લોટ ફાળવી દેવાયા હતા. જ્યાં તેઓએ બાંધકામ પણ શરૂ કર્યું છે. ત્યારે પાલિકાના સૂચિત દવાખાનાના રિઝર્વ પ્લોટ પર કબ્જો કરી સાજન ભરવાડે ખાણીપીણી, શાકભાજીના પથારા ઊભા કર્યા છે. તેમજ ત્યાં ચાની કિટલી અને ઓટો ગેરેજ અને સર્વિસ સેન્ટર પર શરૂ કરાયું હોવાની વાત ભારે ચર્ચાસ્પદ બની છે.