દિલ્હીથી માત્ર આઠ દિવસની બાળકી લઈને વડોદરા આવેલા દંપતીને LCB ઝોન-2ની ટીમે ઝડપી લઈ બાળ તસ્કરી અંગે પુછતાછ શરૂ કરી છે જ્યારે બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને તેના સાચા માતાપિતાની શોધખોળ શરૂ કરી છે.
વડોદરા રેલવે સ્ટેશન બહાર શંકાસ્પદ લોકો એક દંપતીને બાળક આપવાના હોવા અંગેની LCBને માહિતી મળતા રાવપુરા શી ટીમ અને ચાઇલ્ડ હેલ્પ લાઇન 1098ના સ્ટાફને સાથે રાખી પોલીસે તપાસ કરતા સૌરભ વિશ્વનાથ વેરા અને તેની પત્ની સોમા વેરા (રહે. તુલસીદાસની ચાલી, સલાટવાડા, કારેલીબાગ) એક બાળકી સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે બાળકી અંગે આ દંપતીને પૂછતાછ કરતા આ દંપતીએ કબૂલ્યું હતું કે, સેન્ટ્રલ દિલ્હીના કરોલબાગ સ્થિત બાપાનગરમાં રહેતી પૂજા હરીશંકર તથા દીપક કુમાર શીવચરન પાસેથી તેઓ આ બાળકીને લાવ્યા છે. દંપતીએ કહ્યું કે તેઓ આ બાળકીને દત્તક લેવાના છે.
જો કે આ દંપતી પાસે બાળકી કે તેના સાચા માતા-પિતાના કોઇ આધાર પુરાવા ન હોવાથી રાવપુરા પોલીસ સ્ટેશન દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર કથિત રીતે દિલ્હીથી લાવવામાં આવેલી આ બાળકની ઉંમર માત્ર આઠ દિવસની છે. તેથી તેને પ્રાથમિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રાખવામાં આવી છે.
પોલીસે દંપતીની અટકાયત કરી તેઓ બાળકોની તસ્કરીમાં કેવી રીતે સામેલ છે અને તેઓ અગાઉ પણ આવી રીતે બાળકો લાવ્યા છે કે નહીં. તેમજ કોના સંપર્કથી આ બાળકી તેઓ લાવ્યા વગેરે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.