વડોદરાના પાદરા-જંબુસર હાઇવે પર વડુ ચોકડી પાસે વિદ્યાર્થીઓએ બસો અટકાવી ચક્કાજામ કરતા ભારે દોડધામ થઈ ગઈ હતી.
વિદ્યાર્થીઓએ વડુ ચોકડી પાસે મોટી સંખ્યામાં એકત્ર થઇ પાદરાથી જંબુસર અને જંબુસરથી પાદરા-વડોદરા તરફ આવતી-જતી 25 ઉપરાંત એસ.ટી. બસોને અટકાવી ચક્કાજામ કરી દીધો હતો અને સુત્રોચ્ચાર કર્યા હતા. ચક્કાજામને પગલે વાહનોની લાંબી લાઈનો લાગી જતા વડુ પોલીસનો કાફલો સ્થળ ઉપર આવી દોડી ગયો હતો અને અગ્રણી વિદ્યાર્થીઓને પોલીસ મથકમાં લઇ ગઇ હતી જ્યાં પોલીસે પાદરાના ડેપો મેનેજર આર..યુ. અંટોદરીયા અને જંબુસર ડેપોમાંતી એ.ટી.આઇ.ને પણ તાત્કાલિક બોલાવી વિદ્યાર્થીઓનો એસ.ટી. બસોનો તાકીદે પ્રશ્ન હલ કરવા માટે સુચના આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે વડોદરાના પાદરા જંબુસર હાઇવે ઉપર આવેલા પાદરા, માસર રોડ, કરખડી, મુજપુર, વડુ, સહિત વિવિધ ગામોના વિદ્યાર્થીઓ પાદરા, વડોદરાની એમએસ યુનિ સહિત વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે જાય છે તેમજ અનેક લોકો પાદરા તાલુકામાં આવેલી વિવિધ કંપનીઓમાં નોકરી કરવા માટે પણ જાય છે. ત્યારે વડોદરા-પાદરા-જંબુસર સુધી અપુરતી એસ.ટી. બસોની સુવિધા હોવાના કારણે છેલ્લા કેટલાંક સમયથી વિદ્યાર્થીઓ અને નોકરીયાતો ત્રાહિમામ પોકારી ગયા છે અને એસ.ટી. વિભાગને રજુઆત કરવા છતાં કોઈ નિકાલ નહિ આવતા આખરે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને વડું ગામના અગ્રણીઓ એ પણ વિદ્યાર્થીઓ ને સાથ આપ્યો હતો અને અનેક આગેવાનો પોલીસ મથકે ઉમટ્યા હતા.
બીજી તરફ પાદરાના એસ.ટી. ડેપો મેનેજરે નિયમીત બસો માટે ખાતરી આપતા હાલ પૂરતો મામલે થાળે પડ્યો છે.