વડોદરામાં રૂ.દોઢ કરોડના ચેક રિટર્ન કેસની સુનાવણી વખતે દિવાળીપુરા કોર્ટ પરિસરમાં ફરિયાદી પર હુમલો થવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.
બિલ્ડર શફી ફ્રૂટવાલા અને તેના જમાઈએ હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે.
કોર્ટ પરિસરમાં વકીલ, જજ તથા અન્યની સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઊઠ્યા છે.
કોર્ટ પરિસરમાં જ હુમલાનો ભોગ બન્યા બાદ ઇજાગ્રસ્ત નિઝામ ચિશ્તીએ મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તેઓએ બિલ્ડર શફી ફ્રૂટવાલાને તેના ધંધામાં રોકાણ માટે રૂપિયા આપ્યા હતા. જેની સામે આપેલા ચેક રિટર્ન થતાં અદાલતમાં ફરિયાદ કરી હતી, જેની આજે 138ની ફરિયાદ દાખલ કરી હતી. તેણે મારી જોડે ઠગાઈ કરી હતી. બનાવ સમયે નિઝામ સાથે હાજર હૈદરભાઇએ મીડિયાને જણાવ્યું કે, મારા મિત્ર નિઝામ ચિશ્તીની તારીખ હતી. અમે કોર્ટના રૂમ ડી-30 પાસે ઊભા હતા. અંદર સામેવાળાની જબાની હતી.
શફી ફ્રૂટવાલા સાથે તે લોકો બહાર આવ્યા અને અચાનક નિઝામ પર હુમલો કર્યો. હું બચાવવા ગયો તો મને ફેંટ મારી અને માર માર્યો હતો. હુમલામાં સામેલ તેનો જમાઈ અમદાવાદનો ગુંડો છે. આ માથાભારે લોકો કોર્ટમાં આવું કરી શકે તો રોડ પર મારા મિત્રને મારી પણ નાખી શકે છે.
શફી, જમાઈ અને તેનો છોકરા હતા, રિવોલ્વર પણ બતાવી હતી – નિઝામ
હુમલામાં ઘાયલ નિઝામ ચિશ્તીએ કહ્યું હતું કે, શફી, તેનો જમાઇ સોફિયાન અને પુત્ર ત્રણેય હતા. હૈદરભાઇ મારી જોડે હતા. હૈદરભાઇને માર્યા પછી મને દૂરથી રિવોલ્વર બતાવી અને ઇશારો કરી મને મારવા માંડ્યા. તેના હાથમાં લોખંડની ફેંટ હતી. તેણે કહ્યું કે, તને જીવવા નહિ દઉં. મારી નાખીશ. મને લોહી નીકળતું હોવાથી હું ગભરાઈ ગયો હતો.
જોકે, જે FIR થઈ છે તેમાં રિવોલ્વરનો ઉલ્લેખ નથી
ગોત્રી પોલીસે નિઝામની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે, જેમાં આરોપી તરીકે શફી અબ્દુલ રહેમાન શેખ (રહે. તાંદલજા) અને જમાઈ સોફિયાન શેખ સામે આઈપીસી 324, 323, 506, 114 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધ્યો છે.
ફરિયાદીના વકીલે જણાવ્યું કે, 138ની ફરિયાદ હતી. આરોપી અને તેની સાથે આવેલા માણસોએ હુમલો કર્યો છે. ફરિયાદીએ આરોપી સામે દોઢ કરોડના ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી. જેમાં શફી ફ્રૂટવાલાએ આપેલા ચેક પરત ફરતાં કેસ કરાયો હતો.
હુમલા બાદ હૈદરના ભાઈની ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી. જેમાં શફીના પુત્ર સરફરાજને મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું જણાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે બિલ્ડર શફી ફ્રૂટવાલા અગાઉ નોટબંધી સમયે પણ ચર્ચામાં આવ્યો હતો. અગાઉ સિટી પોલીસ મથક સહિત જેપી પોલીસ મથકે પણ તેની સામે ફરિયાદો થઈ હતી અને કેટલીક સ્કીમો પણ અગાઉ વિવાદોમાં રહી ચૂકયો છે.