રાજ્યમાં ભારે વરસાદ પડતા નદીઓમાં ઘોડાપુર આવ્યા છે પરિણામે કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ છે પરિણામે પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામતા દેવ નદી પરના દેવ ડેમના 6 દરવાજા ખોલી નાખવામાં આવતા દેવ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે.
ડેમમાંથી હાલમાં 24504 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
દેવ નદીમાં સર્જાયેલી પૂરની સ્થિતિને પગલે દેવ નદીના કાંઠા વિસ્તારમાં આવેલા વાઘોડિયા તાલુકાના 19 અને ડભોઇ તાલુકાના 7 ગામો મળી 26 ગામના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે
દેવ નદી આગળ જઈને ઢાઢર નદીને મળતી હોય ઢાઢર નદીમાં પણ પૂરની સ્થિતિ સર્જાઇ છે. તંત્ર દ્વારા દેવ નદીના કાઠા વિસ્તારમાં આવેલા વાઘોડિયા તાલુકાના ફલોડ, વેજલપુર, અલવા, ઝવેરપુરા, ગોરજ, માધવપુરા, ધાનખેડા, અંબાલી, પાટીયાપુરા, મુનીઆશ્રમ, મુવાડા, જયાપુરા, અંટોલી, વાનકૂવા, ઘોડાદરા, વ્યારા ધોલાર, કાગડીપુરા અને અકાડીયાપુરા અને ઢાઢર નદીના કાંઠે આવેલા ડભોઇ તાલુકાના બનૈયા, અબ્દુલપુરા, કડાદરા, કરાલી, ગોજાલી, કડાદરાપુરા અને વણાદરા ગામના લોકોને એલર્ટ રહેવા અને સલામત સ્થળ પર ખસી જવા વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.