ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલો કોરોના વાઈરસ એક તરફ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યાં બીજી તરફ કેટલાક દર્દીઓ વાઈરસના સકંજામાંથી હેમખેમ બહાર આવીને મોતને હરાવી રહ્યાં છે. ગુજરાતના વડોદરામાં પણ કંઈક આવું જ જોવા મળ્યું છે, જ્યાં છેલ્લા 24 કલાકની અંદર ત્રણ મહિલા દર્દીઓએ કોરોનાને હંફાવી દીધો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ત્રણેય કોરોનાના દર્દીઓ એક જ પરિવારના સભ્યો છે. જેમાં સૌ પ્રથમ સારંગીબેન દેસાઈને શુક્રવારે સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી હતી. જે બાદ શનિવારે સવારે ભૂમિકાબેન દેસાઈને પણ સ્વસ્થ થયા બાદ ઘરે મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમના જ વોર્ડમાં સારવાર લઈ રહેલા નિલીમાબેન દેસાઈના બે રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ શનિવારે સાંજે તેમને પણ રજા આપવામાં આવી હતી.