વડોદરામાં આવેલ એકતા નગરમાં બારેમાસ ગટરો ઉભરાતી રહેતી હતી અને ગંદકીનું સામ્રાજ્ય હતું પણ હવે આ વિસ્તારમાં જાણે ચમત્કાર થયો છે અને અચાનકજ સાધનો આવી ગયા માણસો આવી ગયા અને આ વિસ્તારની કાયા પલટ થઈ ગઈ છે અને જ્યારે સ્થાનિક લોકો એ આ ચમત્કાર માટે તપાસ કરીતો ખબર પડીકે અહીં 18મીએ નજીકના મેદાનમાં પીએમ નરેન્દ્રભાઈ મોદી આવવાના હોય આ વિસ્તારમાં રાતોરાત બધાજ કામો થઈ ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતાનગરની ઓચિંતી મુલાકાત લીધી હતી. તે સમયે પણ મુખ્યમંત્રી સમક્ષ સ્થાનિક લોકોએ ઉભરાતી ગટરો, પાણીની સમસ્યા તેમજ રસ્તાઓ અંગે રજૂઆતો કરી હતી. તે રજૂઆતો બાદ પણ કોર્પોરેશનના નઘરોળ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
પરંતુ હવે જ્યારે વડાપ્રધાન આવવાના હોય કોર્પોરેશન દ્વારા તમામ કામગીરી માત્ર 10 દિવસમાં કરી દેવામાં આવી છે.
આગામી તા.18 જૂનના રોજ વડોદરા માં આજવા રોડ ઉપર લેપ્રેસી ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાવાની હોય વડોદરા મહાનગર સેવા સદન સહિત સરકારી એજન્સીઓ દ્વારા લેપ્રેસી ગાઉન્ડની આસપાસમાં આવેલા વિસ્તારોની કાયાપલટ કરી દેવામાં આવી છે. જેમાં લેપ્રેસી ગ્રાઉન્ડની પાછળના ભાગે આવેલા એકતાનગર વિસ્તારમાં બારેમાસ ગટરો ઊભરાતી રહેતી હતી. જેના પગલે લોકોને રહેવું મુશ્કેલ થઈ ગયું હતું. જ્યારે પણ ઋતુજન્ય રોગચાળો ફાટી નીકળે ત્યારે શરૂઆત એકતાનગરમાંથી થતી હતી. એકતાનગરના આંતરિક રસ્તાઓથી લઈને મુખ્ય રસ્તાઓ પણ કોર્પોરેશન દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પણ બનાવવામાં આવતા ન હતા. તેમજ ઉભરાતી ગટરોનો નિકાલ પણ કરવામાં આવતો ન હતો. ત્યારે 18 જૂનના રોજ આવી રહેલા વડાપ્રધાનના કારણે એકતાનગરની કાયાપલટ કરી દેવામાં આવતા સ્થાનિક લોકો ખુશ થઈ ગયા છે અને સીએમ ને રજુઆત બાદ પણ જે ન થયું તે મોદી આવવાના હોય તેઓનું જાણે કામ થઈ ગયુ છે.