વડોદરા મનપાના દબાણ શાખા દ્વારા ગોરવા મધુનગર વિસ્તારમાં લારી-ગલ્લાના ગેરકાયદેસર દબાણો અંગે સ્થાનિક લોકોની ફરિયાદો ઉઠતા મેયરની હાજરીમાં દબાણ હઠાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન દબાણ હઠાવવાની કામગીરી શરૂ થતા સ્થાનિક લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને લોકો તેમજ દબાણ શાખા વચ્ચે ઘર્ષણ થતા ઝપાઝપી પણ થઇ હતી જોકે,પોલીસે મામલો કાબુમાં લીધો હતો,આ સમયે ઉગ્ર રજૂઆત કરી રહેલા એક વૃધ્ધ બેભાન થઇ જતા અફરા તફરી મચી હતી.
વડોદરાના મેયર કેયુર રોકડીયાના વોર્ડ નંબર-8 માં આવેલા ગોરવા મધુનગર વિસ્તારમાં રસ્તા ઉપર થઈ ગયેલા લારી-ગલ્લાના દબાણોના કારણે લોકોને રસ્તા ઉપરથી પસાર થવું મુશ્કેલ થઇ ગયું હતું. આ બાબતે અનેક વખત મેયરને સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. જે રજૂઆતોને ધ્યાનમાં લઇ મેયરે પોતે દબાણ શાખાની ટીમ લઇને પોલીસ બંદોબસ્ત સાથે ગોરવા મધુનગરના દબાણો દૂર કર્યા હતા.
મહત્વનું છે કે એક સપ્તાહ અગાઉ પણ મેયરે પોતાના વોર્ડમાં ગોરવા-કરોડીયા રોડ ઉપર આડેધડ થઈ ગયેલા દબાણો દૂર કરાવ્યા હતા. તે બાદ આજે ગોરવા મધુનગર વિસ્તારમાં વધી ગયેલા દબાણો દૂર કરાવતા મામલો ગરમાયો હતો.