વડોદરા જિલ્લાના ડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલનું અપહરણ થતાં
જિલ્લા પોલીસ વડાએ અપહૃત મહિલા કોન્સ્ટેબલને શોધવા માટે જિલ્લા પોલીસને કામે લગાડી દીધી છે.
પોલીસ ફરિયાદ મુજબ મહિલા પોલીસ કોન્સ્ટેબલ મણીબેન ચૌધરીની ડભોઇથી ડેસર બદલી થતાં તેઓ ડેસર તાલુકાના વેજપુર સ્થિત ભાડાના મકાનમાં રહે છે.
મણીબેન ચૌધરીની વાયરલેસ સેટ પર નોકરી હોવાથી તેઓ ફરજ પરથી પરત ઘરે જઇ રહ્યા હતા તે દરમિયાન વેજપુર કેનાલ પાસે એક કાળા રંગની કારમાં સવાર શખ્સોએ તેમનુ અપહરણ કરી ગયા હોવાનું અપહૃત કોન્સ્ટેબલ સાથે મૈત્રી કરારથી લીવ ઇનમાં રહેતા સદ્દામે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.
વડોદરા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા પોલીસની ડેસર પોલીસ, એલ.સી.બી., એસ.ઓ.જી, પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમો મણીબેન ચૌધરીને શોધવામાં કામે લાગી છે.
કોન્સ્ટેબલ મણીબેન સાથે રહેતા સદ્દામ ગરાસીયાએ ડેસર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ મહિલા કોન્સ્ટેબલ મણીબેન ચૌધરી પોતાના પુરુષ મિત્ર સદ્દામ સાથે ભાગી ગયા હતા ત્યારે પણ પોલીસ તેમને શોધવામાં કામે લાગી હતી અને ત્યારબાદ બન્ને સાથે રહેતા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમો મણીબેનનું અપહરણ કરી ગયા હોવાની ઘટના બનતા પોલીસ કામે લાગી છે.