વડોદરામાં ભાયલી વિસ્તારમાં છેવાડે આવેલી સાપ્રંત રેસિડેન્સીમાં એક બંધ મકાનમાં ઘુસેલા પાંચ જેટલા તસ્કરોએ મકાનના પહેલાં માળે બેડરૂમમાં કબાટ તોડી તેમાં મૂકેલા રોકડ રૂપિયા 1 લાખ, રૂપિયા 87,000ની દોઢેક તોલાની ગુરૂ ગ્રહના નંગની બનાવેલ વીંટી તથા વીંટીમાં જડાવેલ 50 હજારની કિંમતનો ગુરૂનો નંગ, 5 ગ્રામની 29,000ની કિંમતની એક જોડ સોનાની બુટ્ટી તેમજ દીકરાની સગાઈમાં મળેલા રૂપિયા 15,000ની કિંમતનું ચાંદીનુ એક નારિયેળ સહિત કુલ રૂપિયા 2,81,000ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા ભારે ચકચાર મચી ગઇ છે.
આ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા કૌશિકભાઈ અભેસિંહ રાઠોડ વાગડ ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડમાં ફરજ બજાવે છે જેઓ ગત તા.23 જૂનના રોજ તેઓ કામ અર્થે સુરત ગયા હતા અને તેમના પત્ની ઉષાબેન અને દીકરો જયરાજસિંહ બાંસવાડા (રાજસ્થાન) ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતુ.
સોસાયટીમાં વોચમેન હોવાછતાં તેને ખબર પડી ન હતી.
સાંપ્રત રેસિડેન્સીમાં થયેલી આ ચોરીના બનાવને લઈ સાંપ્રત રેસિડેન્સી સહિત આસપાસની સોસાયટીના લોકોમાં ગભરાટ પણ ફેલાવી દીધો છે. પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે અને તસ્કરોના સગડ મેળવવા માટે એફએસએલ, ડોગસ્ક્વોડની મદદ લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સીસીટીવી ફુટેજમાં તસ્કરો શુક્રવારે મધરાત્રે 1.45 કલાકે ઘરમાં ઘુસીને સવા બે કલાક ઘરમાં બિન્દાસ ચોરી કરીને મળસ્કે 4 વાગ્યે મકાનમાંથી બહાર નીકળી રહ્યા હોવાનું જણાય રહ્યું છે.