મોહમ્મદ પયગંબર વિશે ટીપ્પણી કરવા મામલે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્મા સામે મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે સુરતમાં કોઈ અજાણ્યા ઈસમોએ જાહેર રોડ ઉપર પોસ્ટર વાહન નીચે આવે તે રીતે ચીપકાવ્યા બાદ વડોદરા શહેરમાં જાહેર માર્ગ પર નૂપુર શર્મા અને નવીન જિંદાલની ધરપકડના પોસ્ટર ચોંટાડતા આ ઘટના ભારે ચર્ચાનો વિષય બની છે.
જ્ઞાનવાપી મસ્જિદ અંગેની ટીવી શો ડિબેટમાં ભાજપની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ આપેલા નિવેદનથી વિવાદ ઊભો થયો હતો.આજે વડોદરાના મચ્છીપીઠ વિસ્તારમાં જાહેર માર્ગ પર નૂપુર શર્માને ફોટો સાથેના પોસ્ટર રોડ પર ચોંટાડી ધરપકડની માંગણી કરવામાં આવી છે. સાથે જ નવીન જિંદાલના પણ આવા જ પોસ્ટર લગાવાયા છે. આ પોસ્ટર કોણ ચોંટાડી ગયું તે હજુ સુધી જાણી શકાયું નથી.
અત્રે નોંધનીય છે કે બે દિવસ અગાઉ સુરતના જીલાણી બ્રિજ ઉપર પણ નૂપુર શર્માની ધરપકડ કરવાની માગ સાથે ફોટોવાળા પેમ્ફલેટ ચોંટાડવામાં આવ્યા હતા.
આમ સુરત બાદ વડોદરામાં પણ રોડ ઉપર આવા પોસ્ટર લગાડવામાં આવ્યા છે.