વડોદરામાં તા. 6થી 8 જાન્યુઆરી દરમિયાન લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે એશિયાનો સૌથી મોટો વિન્ટેજ કાર શો યોજાઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં ભાગ લેવા આવી પહોંચેલા વિન્ટેજ કાર કાફલાની આજે નીકળેલી રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આજે સવારે લક્ષ્મીવિલાસ પેલેસથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી નીકળેલી વિન્ટેજ કાર રેલીમાં ઉદ્યોગપતિઓ અને રાજવી પરિવારોની 75 કાર જોડાઈ હતી.
આ હેરિટેજ કાર રેલીમાં 105 વર્ષ જૂની 1917ની ફોર્ડ કાર સહિતની 75 જેટલી કારનો સમાવેશ થાય છે.
21 ગન સેલ્યૂટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ દ્વારા લક્ષ્મીવિલાસ પેલેસ અને ગુજરાતના પર્યટન વિભાગના સહયોગથી આયોજિત આ હેરિટેજ કાર રેલીમાં હેરિટેજ કારના શોખીનો દેશના જાણીતા ઉદ્યોગપતિઓની કાર્સ પણ રેલીમાં જોડાઈ છે.
આ રેલી કેવડિયા ખાતે પહોંચીને બે કલાકના રોકાણ બાદ બપોરે એક વાગ્યાના સુમારે પેલેસ ખાતે પરત ફરશે.
ત્યારબાદ 6થી 8 જાન્યુઆરી આ ગાડીઓ લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે જાહેર જનતાને જોવા મળશે.