વડોદરાના ડો.સાદાબ પાનવાલાની એટીએસ દ્વારા અટકાયત થઈ છે તેઓ પ્રતિબંધિત સંગઠન સિમી અને અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અગાઉ પણ પૂછતાછ થઈ ચૂકી છે તેવા મુસ્લિમ ડોક્ટર એસોસિયેશનના સભ્ય ડો.સાદાબ પાનવાલાને બુધવાર વહેલી સવારે 3.30 વાગ્યે એટીએસની ટીમે અટકાયત કરી હતી અને અમદાવાદમાં પૂછપરછ કરી હોવાનું કહેવાય છે.
રાજ્યભરમાંથી શંકાના આધારે 3 થી 4 લોકોની આ રીતે અટકાયત થઈ હોવાનું કહેવાય છે અને તેઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી હોવાની વાત છે પરંતુ અટકાયતનું કારણ હજી સામે આવ્યું નથી.
વડોદરાના વાડી તાઈવાડામાં રહેતા ડો. સાદાબ પાનવાલાની શહેર પોલીસની ટીમને સાથે રાખી એટીએસએ અટકાયત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ સાદાબને અગાઉ પણ અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આરોપી ઇમરાન શેખ અને મહંમદ ઉસ્માન અગરબત્તી વાલા સાથે સંપર્કો હોવાનું માની એટીએસએ અમદાવાદ લઇ જઇ પૂછપરછ કરી હતી. તપાસ દરમ્યાન સાદાબ અગાઉ સીમીના સ્લીપર સેલ સાથે સંપર્ક હોવાનું માનવામાં આવે છે.
ધર્માંતરણ કેસ બાદ મુસ્લિમ ડોક્ટર એસો. ચર્ચામાં આવ્યું હતું
ઉત્તરપ્રદેશના ધર્માંતરણ મામલાના તાર વડોદરા સાથે જોડાયેલા હતા. શહેરના ફતેગંજમાંથી સલાઉદ્દિનને યુપી એટીએસ લઈ ગયા બાદ શહેર પોલીસે પણ ગુનો નોંધી મુસ્લિમ મેડિકલ સેન્ટરનાં મેનેજરને ઝડપ્યો હતો. આ મેડિકલ સેન્ટર સાથે મુસ્લિમ ડોક્ટર એસો સંકળાયેલ હતું.
અગાઉ વડોદરાના માંડવીમાં લાદેનના પોસ્ટર સાથે પોલીસની હાજરીમાં ઉગ્ર દેખાવો થયા હતા જેનાથી ખુફિયા એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી અને તપાસમાં શહેરના કેટલાક લોકો ભાંગફોડની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાનું જેતે સમયે બહાર આવ્યું હતું. જેમાં સીમીના સ્લીપર સેલ પણ કાર્યરત હોવાનુ બહાર આવતા કાર્યવાહી થઈ હતી.
આમ,વડોદરાના વાડી તાઈવાડામાં રહેતા ડો. સાદાબ પાનવાલાની અટકાયત થતા અનેક તર્ક વિતર્ક થઈ રહયા છે.
