વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટીમાં આજે કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના બે ગ્રુપ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન (AGSU) અને ઓલ ગુજરાત સ્ટુડન્ટ ગ્રૂપ (AGSG) ગ્રૂપ વચ્ચે જાહેરમાં મારામારી થતાં ભારે દોડધામ મચી હતી.
છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થી સંગઠનો આ રીતે જાહેરમાં બાખડી રહયા હોય યુનિવર્સિટીની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એમ.એસ. યુનિવર્સિટીમાં છેલ્લા છ દિવસથી કોમર્સ ફેકલ્ટીમાં બેઠકો વધારવાની માગ સાથે વિરોધ ચાલી રહ્યો છે,
આ વર્ષે યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં માત્ર 5300 વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવતા વડોદરા શહેર તેમજ જિલ્લાના 3000થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેને લઈને કોમર્સ ફેકલ્ટીના તમામ વિદ્યાર્થીઓ સંગઠનો દ્વારા છેલ્લા 6 દિવસથી આંદોલન કરવામાં આવી રહ્યું છે.
ત્યારે આજે કોમર્સ ફેકલ્ટીમાં બે ગ્રુપ વચ્ચે એક છોકરીએ બીજા ગ્રુપના વિદ્યાર્થીને લાફો મારવાના બનાવ બાદ મારામારી થઈ હોવાનું કહેવાતું હતું.