વડોદરા શહેરમાં આજે બુધવારથી હિંડોળા ઉત્સવની ઉજવણી શરૂ થઈ છે.
વૈષ્ણવ સમાજમાં હિંડોળા દર્શનનું અનેરું મહત્ત્વ છે. વૈષ્ણવો હિંડોળા મનોરથ પણ સેવતા હોય છે.
ભગવાનનને હિંડોળામાં વિવિધ શણગાર સાથે ઝુલાવવામાં આવતા હોય છે .
વડોદરામાં 10 જેટલી વૈષ્ણવ હવેલીઓમાં આજે બુધવારથી હિંડોળા ઉત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે વૈષ્ણવોને માંડવી કલ્યાણરાયજી હવેલીમાં પહેલી વખત સોનાના મયુરાસન સાથે બરસાનાની મયુર કુટીરનો હિંડોળો, શીશ મહલ તેમજ દોહેરા મંડાણ જેમાં પ્રભુને સેવા-શૃંગાર તમામ બે વખત ધરાવાશે.
આ ઉપરાંત વ્રજધામ હવેલી, ગોત્રી નંદાલય હવેલી, અલકાપુરી હવેલી, કારેલીબાગ હવેલી, બેઠક મંદિર, વાઘોડિયા રોડ સ્થિત હવેલી સહિત અલગ-અલગ હવેલીઓમાં બે મહિના સુધી હિંડોળા ઉત્સવની ઉજવણી થશે.
ચાલુ વર્ષે આજે તા. 5 જુલાઈથી શરૂ થતા હિંડોળા પહેલા 15 દિવસ સુધી ચાલશે ત્યાર બાદ તા.18 જુલાઈથી શ્રાવણ અધિકમાસ શરૂ થતો હોવાથી એક મહિનો હિંડોળા ઉત્સવ ચાલશે. અને ત્યારબાદ બીજા 15 દિવસ આમ બે મહિના સુધી હિંડોળા ઉત્સવનું આયોજન થશે
જેમાં સોના-ચાંદીના હિંડોળા, કેસરી ઘટા, ફુલના હિંડોળા, પાનના હિંડોળા, ચૂંદડીનો બંગલો, ખસનો બંગલો, જલવિહાર, ચંદનનો બંગલો, કમળના ઝુલા, કાચનો બંગલો, પવિત્રા, સુરંગી, બનાતી, શાકભાજીના હિંડોળાનો સમાવેશ થાય છે.
હિંડોળા ભગવાન શ્રીકૃષ્ણની જન્મભુમી વ્રજ-મથુરાથી ચાલુ થયા હતા. ભગવાન ૧૧ વર્ષની વયે મથુરા છોડી દ્વારકા આવ્યા ત્યારથી ભગવાનના બાળસ્વરૂપને હિંડોળામાં ઝુલાવવામાં આવે છે.