વડોદરામાં આજથી પોલીસકર્મીઓને પણ કાયદાનું પાલન કરાવવા 7 દિવસ ટ્રાફિક પોલીસની ડ્રાઇવ શરૂ થઈ છે જેમાં તમામ પોલીસ ખાતામાં નોકરી કરતા પોલીસકર્મીઓ સહિત અધિકારીઓએ નિયમો પાળવા પડશે અન્યથા દંડ થશે.
વડોદરામાં આજથી કોઈપણ પોલીસ કર્મચારી હેલ્મેટ કે સીટબેલ્ટ વગર દેખાશે તો રૂા.500નો દંડ થશે.
હાઈકોર્ટે દ્વારા પોલીસ અને કોર્પોરેશન તંત્રને અલ્ટીમેટમ આપી કાયદાનો ડર બતાવવાની ટકોર બાદ વડોદરા ટ્રાફિક પોલીસ સક્રીય થઈ છે. લોકો સામે કાયદાનો કોરડો વિંઝતી પોલીસ શહેરમાં જે પોલીસકર્મી ટ્રાફિક નિયમનોનું પાલન નહીં કરે તેની સામે પણ દંડનીય કાર્યવાહી થશે.
હાલમાં પોલીસ ઓવર સ્પીડીંગને લઈને કાર્યવાહી કરી રહી છે અને ચાલકોને ઈ-મેમો પણ આપી રહી છે. ત્યારે ટ્રાફિક વિભાગ પોલીસને પણ નહીં બક્ષે તેવું ટ્રાફિક ડિસીપી જ્યોતિ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે,આજે ગુરુવારથી ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ થઈ છે જેમાં ટ્રાફિક વિભાગ પોલીસકર્મીઓ સામે પણ કાર્યાવાહી કરશે.
સામાન્ય રીતે પોલીસ નાગરિકો સામે સીટ બેલ્ટ ન પહેરવા કે હેલ્મેટ બાબતે લોકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલતી હોય છે ત્યારે ટ્રાફિક પોલીસ હવે પોલીસ કર્મીઓ પાસેથી પણ હેલ્મેટ કે સીટ બેલ્ટ નહી હોય તો 500 રૂપિયા દંડ ઉઘરાવશે.વડોદરા શહેરમાં કુલ અઢી હજાર પોલીસનો સ્ટાફ છે. ટ્રાફિક પોલીસ આ અઢી હજાર પોલીસ સામે ચાંપતી નજર રાખશે અને જો કોઈ પોલીસકર્મી નિયમ ભંગ કરતા જણાશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
કારમાં ડાર્ક ફિલ્મ હશે તો પણ કાર્યવાહી થશે
પોલીસકર્મી તથા અધિકારીએ હેલમેટ નહીં પહેર્યું હોય, વાહન પર નંબર પ્લેટ નહીં હોય કે છેડછાડ કરી હશે, HSRP નંબર પ્લેટ ના હોય અને કારમાં ડાર્ક ફિલ્મ લગાવી હોય તેવા પોલીસકર્મીઓ સામે તરત કાર્યવાહી કરવામાં આવશે.
ઓવર સ્પીડ માટે 300થી વધુ લોકોને ઈ- મેમો
ટ્રાફિક વિભાગે 1 મહિનાથી રેસીંગ કરનારા સામે કાર્યવાહી કરી છે. વિવિધ રોડ-બ્રિજ પર 300થી વધુ લોકોને ઈ-મેમો આપી 6 લાખનો દંડ વસૂલ્યો છે. હાલમાં પણ આ ડ્રાઈવ ચાલુ જ રખાઇ છે.
સામાન્ય નાગરિકની જેમ પોલીસ સાથે વ્યવહાર થશે
સામાન્ય માણસની જેમ જ પોલીસકર્મીઓ સાથે પણ ટ્રાફિક નિયમો અંગે વ્યવહાર કરવામાં આવશે.
નંબર પ્લેટ સહિત હેલમેટ અને ડાર્ક ફિલ્મ સહિત નિયમોના ભંગ કરનાર પોલીસ સામે પણ દંડ થશે તેમ ડીસીપી જ્યોતિ પટેલે જણાવ્યું હતું.