મોંઘવારી વધી છે અને તેમાંય રાંધણ ગેસના ભાવ વધતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તેવા સમયે વડોદરામાં આમ આદમી પાર્ટીએ પાલિકા કચેરી ખાતે પહોંચી વિરોધ કર્યો હતો. મેયરની કેબિનમાં પહોંચી મહિલા કાર્યકરે ટેબલ પર બંગડી મૂકી મેયર ને બંગડી પહેરી લેવાનું કહેતા મેયરે સામે કહ્યું હતું કે, ભાઈને બંગડી નહિ, પરંતુ હાથે રાખડી બાંધવાની હોય.
વડોદરા ગેસ લિમિટેડ કંપની દ્વારા ગેસ લાઈન મારફતે અપાતા ઘરગથ્થુ ગેસના ભાવમાં રૂા. 3 નો ભાવ વધારો કરતા ગ્રાહકોમાં ભારે નારાજગી ફેલાઈ છે.
ગેસ વધારા મામલે વડોદરા આમ આદમી પાર્ટીના કાર્યકરો પાલિકાની કચેરીએ જઈ મેયર કેયુર રોકડિયાને આવેદનપત્ર આપી મોંઘવારી મુદ્દે રજૂઆત કરી હતી.
દરમ્યાન મેયરને આવેદનપત્ર આપવા આવેલી મહિલાઓ પૈકી શહેર ઉપપ્રમુખે મેયરના ટેબલ પર બંગડી ફેંકી કહ્યું હતું કે આ પહેરી લો.
જેના વળતા જવાબમાં મેયર કેયુર રોકડીયાએ કહ્યું કે ભાઈને બંગડી ન પહેરાવવાની હોય હાથે રાખડી બાંધવાની હોય.
તેઓએ આપના કાર્યકરોને કહ્યું હતું કે તમને ગેસના ભાવ વિશે કોઈ જાણકારી નથી અને પહેલા બેલેન્સ સીટ જોઈ લો.
મેયરે જણાવ્યું હતું કે વડોદરા ગેસ લિમિટેડે નાછૂટકે ભાવ વધાર્યા છે. અન્ય કંપનીઓ કરતા VGLના ભાવ ઓછા જ છે.
બીજી તરફ આપ મહિલા ઉપપ્રમુખ જાનવી ગોહિલે જણાવ્યું હતું કે, મેં મેયરને બંગડીઓ આપી કારણ કે તેઓ આ પહેરીને અમારી જગ્યાએ આવીને બેસે તો તેમને ખબર પડે કે ભાવ વધારાથી કટેલી પરેશાની થાય છે.
આમ,વડોદરામાં ગેસ વધારા મામલે આપ દ્વારા વિરોધ કરાયો હતો.