વડોદરામાં કન્જક્ટિવાઇટિસના રોગચાળાએ ગંભીર રૂપ પકડી લીધુ છે અને દર્દીઓની સંખ્યા વધી ગઈ છે હાલ રોજના ત્રણ હજાર જેટલા દર્દીઓ આવી રહ્યાં છે.
એક લાખ લોકો કન્જક્ટિવાઇટિસના રોગચાળામાં સપડાઈ ચુક્યા છે આ સંખ્યા માત્ર ત્રણ અઠવાડિયામાં જ વધી ગઈ છે.
એસએસજી અને ગોત્રીમાં રોજ સરેરાશ 100-100 દર્દી નોંધાય છે. જ્યારે હેલ્થ સેન્ટરો અને ખાનગી દવાખાના પણ આંખના દર્દીથી ઉભરાઇ રહ્યાં છે,આ રોગ વડોદરામાં 30 ટકા ઘરોમાં ફેલાઈ ચૂકયો છે.
આ રોગમાં 95 ટકા કિસ્સામાં એડિનોવાઇરસ અને બાકીનામાં ક્લેબસેલ અને સ્ટેફાયલોકોકસ બેક્ટેરિયા અને એલર્જીથી કન્જક્ટિવાઇટિસ થયો હોય તેવા દર્દી આવી રહયા છે. ત્રણેય કિસ્સામાં લક્ષણો જુદાં હોય છે. તબીબો મુજબ રોજના 3 હજાર લોકો આંખના રોગ સાથે આવી રહયા છે.
—વાઇરસ, બેક્ટેરિયા અને એલર્જિથી થતાં કન્જક્ટિવાઇટિસના લક્ષણો આ મુજબ જોવા મળી રહયા છે.
● વાઇરસ – એડિનો વાઇરસથી કન્જક્ટિવાઇટિસ થાય તો આંખો સુજી જાય છે, પાણી નીકળે છે, બળતરા થાય છે.
● બેક્ટેરિયા – જો આ રોગ થયો હોય તો આંખમાં ચેપડાં આવે છે, સવારે આંખો ખોલવામાં તકલીફ.
● એલર્જી – આંખમાં જોરદાર ખંજવાળ આવે છે. તેમાંથી સતત પાણી ઝમ્યાં કરે છે. સોજો પણ આવે છે.
આમ વડોદરામાં છેલ્લા ત્રણેક અઠવાડિયાથી કન્જક્ટિવાઇટિસના દર્દી વધતા તંત્ર એલર્ટ થઈ ગયું છે અને ચેપ લાગવાથી બચવા સલાહ અપાઈ રહી છે.
વડોદરા સહિત રાજ્યમાં કન્ઝેકટિવાઈટીસના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરેક જિલ્લામાં કન્ઝેકટિવાઈટીસના કેસમાં વધારો નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને લોકોને ભીડવાળી જગ્યાએ નહિ જવા તેમજ સ્વચ્છતા રાખવા અને સાબુથી વારંવાર હાથ ધોવા જણાવવામાં આવી રહ્યું છે.
● દર્દીએ શું ધ્યાન રાખવું જોઈએ?
સાબુથી અને ગરમ પાણીથી હાથ ધોવા. આંખોમાં ટીપાં મૂકતી વખતે પહેલાં અને પછી હાથ સાફ કરવા. આંખોને વારંવાર સ્પર્શ કરવાનું અને કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું ટાળવું. અનિવાર્ય હોય તો ડોક્ટરની સલાહ જરૂર લેેેવી. દર્દીની ચાદર, ઓશિકાનું કવર, કપડાં, રૂમાલને ડીટર્જન્ટ પાઉડરથી ધોવા. તેમની રોજિંદી વપરાશની વસ્તુઓને બીજાને વાપરવા ના દેેેવી. સ્વિમિંગ પુલનો વપરાશ ટાળવો. આઈ ડ્રોપનો ઉપયોગ કરતા પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેેેવી.
● આ પણ યાદ રાખો કે 20 સેકન્ડ માટે સાબુ-પાણીથી હાથ ધોવા જોઈએ
1. ઓછામાં ઓછા 20 સેકન્ડ માટે સાબુ અને પાણીથી નિયમિતપણે તમારા હાથ ધોવા.
2. જ્યાં સુધી તમે તમારા હાથ ન ધોઈ લો ત્યાં સુધી તમારી આંખોને સ્પર્શ અથવા ઘસવાનું ટાળો.
3. ટુવાલ, મેકઅપના સાધનો, કસરતના સાધનો અથવા અન્ય સામાન્ય રીતે શેર કરેલી વસ્તુઓ એવી વ્યક્તિ સાથે શેર કરશો નહીં જેને ચેપ હોય.
4. તમારી આંખોમાંથી ચેપી સામગ્રીને તમારા ચશ્મામાં સ્થાનાંતરિત કરવાનું ટાળવા માટે નિયમિત ચશ્મા સાફ કરો. જો ચેપ હોય તો કોન્ટેક્ટ લેન્સ ન પહેરો.
5. એકવાર તમારો ચેપ દૂર થઈ જાય, પછી પથારીને ધોઈ લો.