વડોદરા ભાજપમાં પત્રિકા કાંડમાં ભારે હોબાળો થતાં કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયાને ભાજપે પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.
આ માટે લિંબાચિયાને કોર્પોરેટર તરીકે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરવા દંડકને સૂચના પણ આપી દીધી છે.
મેયર નિલેશ રાઠોડ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતી પત્રિકા હોદ્દેદારો અને કોર્પોરેટરોને મોકલી બદનામી કરવાની કોશિશ થતાં મામલો પ્રદેશ સ્તરે પહોંચ્યો હતો અને આ પ્રકરણમાં પ્રદેશ પ્રમુખે કાર્યવાહીની સૂચના આપી છે.
લિંબાચિયાને કોર્પોરેટર તરીકે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરવા દંડકને સૂચના આપતા હવે તેઓ છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મેયર સામે ગંભીર આક્ષેપ કરતી પત્રિકા મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસ તપાસ દરમિયાન અલ્પેશ લિંબાચિયાના સાળા અમિત અને આકાશ નાઈની ધરપકડ બાદ અલ્પેશ લિંબાચિયાનું નામ ખૂલ્યું હતું.
જે બાદ ભાજપે કારણદર્શક નોટિસ આપી 4 દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું હતું. શુક્રવારે મોડી રાતે લિંબાચિયાએ શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહને ખુલાસો સોંપ્યો હતો.
પત્રિકાકાંડની તપાસમાં તેઓની ભૂમિકા સપાટી પર આવતાં અને પક્ષમાં કોઈ આવું કૃત્ય ન આચરે તેવો દાખલો બેસાડવા ભાજપે અલ્પેશ લિંબાચિયાને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી પક્ષની જવાબદારીમાંથી મુક્ત કરવા નિર્ણય કર્યો છે.
બીજી તરફ અલ્પેશ લિંબાચિયાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય છે પણ હું ભાજપનો કાર્યકર્તા હતો, છું અને રહીશ હું કઈ પાર્ટી છોડવાનો નથી અને પાર્ટી માટે કામ કરતો રહીશ.