વડોદરામાં ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં લિફ્ટ ખોટકાતા દર્દીઓ સહિત 17 લોકો લિફ્ટમાં ફસાઇ જતા ભારે દોડધામ મચી ગઇ હતી.
ઘટનાની જાણ કરાતા ફાયર બ્રિગેડ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને ફસાયેલા દર્દીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
ફાયર બ્રિગેડનીના સૂત્રોએ જણાવ્યુ હતુ કે આજે સવારે ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં પ્રથમ માળે લિફ્ટમાં લોકો ફસાયા હોવાનો કોલ મળતા અમારો સ્ટાફ તાત્કાલીક ત્યાં પહોંચ્યો હતો અને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી હતી જ્યાં તપાસ કરતા લિફ્ટના સેન્સર કામ કરતા ન હોય દરવાજાને પેડર કટરથી કાપી લિફ્ટમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. લિફ્ટમાં એક દર્દી સહિત કુલ 17 લોકો ફસાયા હતા. જેઓને બહાર કાઢ્યા હતા.
પ્રાથમિક દ્રષ્ટિએ લિફ્ટના સેન્સર બંધ થઇ જતાં લિફ્ટ પહેલા માળે અટવાઇ ગઇ ગયાનું જણાયું હતું. અહીં ઉપસ્થિત કેટલાક લોકોનું કહેવું હતું કે ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં અવાર-નવાર લિફ્ટ ખોટકાઈ જવાના બનાવ બનતા રહે છે.