વડોદરામાં જનતાના પૈસે પાલિકા દ્વારા યોજાયેલી મેયર્સ કપ ટુર્નામેન્ટમાં રૂ.94.94 લાખનો ખર્ચ થયો હવે જનતાને આ મેચથી શુ ફાયદો થયો અથવા વિકાસ નું કોઈ કામ થયું ? જનતાના પૈસે થયેલા આયોજનને લઈ લોકોમાં નારાજગી પ્રસરી છે ત્યારે આ મુદ્દે વિપક્ષ દ્વારા જવાબ માંગવામાં આવ્યો છે.
વડોદરામાં રાજ્યની 8 મહાનગર પાલિકા વચ્ચે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં રૂ. 94.94 લાખનો ખર્ચ થયો હોવાની વિગતો સામે આવી છે.
એક તરફ પાલિકા વિકાસના કામો માટે બોન્ડ થકી રૂા. 100 કરોડની લોન લે છે અને બીજી તરફ પ્રજાના વેરાના 95 લાખ રૂપિયાનો વેડફાટ કરે છે તે કેટલો યોગ્ય છે તેવો ગણગણાટ ઉઠવા પામ્યો છે.
મહત્વનું છે કે વડોદરા મહાનગર પાલિકા દ્વારા આ વર્ષે મેયર્સ કપની યજમાની કરી ટુર્નામેન્ટ યોજી હતી.
રાજ્યની આઠ મહાનગર પાલિકાઓની મેયર અને મ્યુનિસિપલ કમિશનરની ટીમો વચ્ચે વડોદરામાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં જમવા, ફરાસખાનુ અને ક્રિકેટ કીટ ખરીદવા પાછળ રૂ. 94.94 લાખનો ખર્ચ થયો હતો.
બીજી તરફ પ્રજાના નાણાંનો આ રીતે વેડફાટ ન થવો જોઈએ તેમ કહી વિપક્ષ નેતાએ વિરોધ કર્યો છે.
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ મ્યુનિસિપલ કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે હાલમાં થયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં તમામ ખર્ચ વડોદરા મહાનગર સેવાસદને ઉઠાવ્યો અને સાથે સાથે પાલિકાના અલગ અલગ વિભાગના કર્મચારીઓને પણ ક્રિકેટ મેચમાં કામે લગાડવામાં આવ્યા હતા પરિણામે
વેરો ભરતી પ્રજા પણ હેરાન થઈ. બીજું કે જ્યારે પક્ષના આવા કોઈ કાર્યક્રમ થાય છે ત્યારે સ્પોન્સર શોધવામાં આવે છે તો આ ક્રિકેટ મેચમાં સ્પોન્સરને શોધવામાં કેમ ન આવ્યા? પાલિકા જ્યારે બોન્ડના નામે લોન લઈ તેનું વ્યાજ ચૂકવે છે ત્યારે પ્રજાના વેરાના નાણાનો ઉપયોગ કરી ખોટા ખર્ચા અને તાયફા કેમ કરવામાં આવી રહ્યા છે તેવો વેધક સવાલ કર્યો છે.
વડોદરામાં જનતાના પૈસે રમાયેલી મેયર્સ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ અને ગાંધીનગરની ટીમોના ખેલાડીઓને હોટલથી ગ્રાઉન્ડ સુધી લાવવા લઈ જવા માટે 12 એસી બસો ભાડેથી લેવામાં આવી હતી. ખેલાડીઓને હેરિટેજ જગ્યાઓ અને જોવાલાયક સ્થળોની મુલાકાત કરાવવા માટે પણ બસનો ઉપયોગ કરાયો હતો. 5 દિવસ સુધી ઉપયોગ કરાયેલી 12 બસોનું રૂ. 1.32 લાખ ભાડું થયું હોવાનું અહેવાલોને લઈ ભારે ગણગણાટ શરૂ થયો છે.