આપણા તંત્રને એક આદત પડી ગઈ છે કે બધું લોલમ લોલમ ચલાવવાનું અને જ્યારે કોઈ અકસ્માત થાય ત્યારે જાગવાનું અને મૃતકોને તાત્કાલિક સહાય પાઠવી દેવાની અને ફોરમાલિટી પુરી દેવાની પણ પહેલેથીજ જાગવાનું ભાન પડતું નથી આવું જ કંઈક વડોદરામાં જોવા મળ્યુ.
વડોદરામાં ફરવાલાયક સ્થળ કમાટી બાગમાં મોટી સંખ્યામાં બાળકો સાથે પરિવારો આવતા હોય છે અને અહીં બધી રાઈડ્સમાં ફી ભરીને બેસતા હોય છે પણ અહીં મોટી બેદરકારી સામે આવી છે અને તે છે અહીંની જોય ટ્રેનના ઇજારદાર ખોડલ કોર્પોરેશને 4 વર્ષથી વીમા પોલિસી લીધીજ નથી તેમજ ફાયર વિભાગની એનઓસી પણ લીધી નહી હોવાનું સામે આવતા ભારે હોબાળો મચી ગયો છે.
અહીં લોકોનું કહેવું એમ હતું કે જો રોડ ઉપર વાહન લઈ નીકળ્યા અને વીમો ભર્યો ન હોય તો દંડ ફટકારી પૈસા ઉઘરાવી લેવામાં આવે છે પણ અહીં સરકારી ખાતું ઉંઘતું ઝડપાયું છે.
જોય ટ્રેનના ઇજારદારે વીમા પોલિસી લીધી છે કે નહીં તે જોવાનું કામ પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગનુ હોવાછતાં આ વિભાગની બેદરકારી અને બેજવાબદારી છતી થઈ છે. ત્યારે વિભાગના બેજવાબદાર અધિકારીઓ શુ કરતા હતા ? શુ ગોદડું ઓઢીને સુઈ ગયા હતા ? આવા બેજવાબદારો સામે પગલાં ભરાય તે પણ જરૂરી છે.
ગાર્ડન વિભાગે શનિવારે ઇજારદાર ખોડલ કોર્પોરેશનને નોટિસ ફટકારી હતી. જેમાં જોય ટ્રેન, રાઇડ્સ અને રિક્રિયેશનની પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી બંધ કરી લાઇસન્સ, વીમા પોલિસી અને બાકી નીકળતી રેવન્યુ શેરિંગ રકમ જમા કરાવવા સૂચના આપી છે.
તપાસ દરમિયાન ઇજારદાર ખોડલ કોર્પોરેશને 4 વર્ષથી વીમા પોલિસી લીધી નથી તેમજ ફાયર વિભાગની એનઓસી પણ લીધી નહિ હોવાનું સામે આવ્યું છે.
તદુપરાંત પાલિકા સાથે થયેલા કરાર મુજબ શેરિંગની 70 લાખથી વધુની રકમ પણ ઇજારદારે ભરી નહી હોવાની વાત સામે આવી છે.
નોંધનીય છે કે કમાટીબાગમાં 2012માં જોય ટ્રેન શરૂ કરાઈ હતી. જોકે જોય ટ્રેનના ઇજારદારે એમઓયુની શરતોનું ઉલ્લંઘન કર્યું હોવાના ગંભીર આક્ષેપ થયા છે. જોય ટ્રેનના ઇજારદારે નિયમો મુજબ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવાનો હોય છે. જોકે ઇજારદારે 2019થી ઇન્સ્યોરન્સ લીધો ન હોવાનું સપાટી પર આવ્યું છે.
આખરે ભાનમાં આવેલા પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગે કોઈ મોટો અકસ્માત થાય તે પહેલાં ઇજારદારને નોટિસ ફટકારીને જોય ટ્રેન સહિતની બધી રાઈડ્સ બંધ કરાવી દેતા અહીં બંધ ના પાટિયા ઝુલી રહયા છે.