સમાજમાં ખુબજ ઈજ્જતદાર અને સન્માનીય ગણાતા તબીબો પણ હવે ગુંડાગીરી કરતા હોવાના મામલા સામે આવી રહયા છે.
વડોદરામાં જેતલપુર વિસ્તારમાં આવેલી આદિક્યુરા હોસ્પિટલના ગેસ્ટ્રોલોજિસ્ટ તબીબે શનિવારે રાત્રેે પોતાના જ ભાગીદાર હાર્ટ સ્પેશિયાલિસ્ટ પર હિચકારો હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
અલકાપુરીની હેમ્પ્ટન હોટેલમાં યોજાયેલી એક બેઠકમાં આ હુમલો થયો હોવાની વિગતો સામે આવી છે. પોલીસમાં થયેલી ફરિયાદ અરજી મુજબ આશરે 5 વાગ્યે એક બેઠક મળી હતી તે દરમિયાન 9 વાગ્યાના અરસામાં બેઠકમાં ચાલતી ચર્ચા વખતે ગેસ્ટ્રોલોજિસ્ટ ડો.ચિરાયુ ચોક્સી અચાનક ઊભા થયા અને ચાલુ ચર્ચાએ જ ‘…. તું તારી જાતને સમજે છે શું? એમ કહી ગાળોનો વરસાદ વરસાવી જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. નીરવ પાંચાની પાસે જઈ તેમના ગાલ ઉપર ફડાકા ઝીંકી દીધા હતા અને તેમના પેઢું સહિતના ભાગે લાતો મારવા માંડ્યા હતા.
અચાનક થયેલા હુમલામાં ડો.નીરવ પાંચાની હેબતાઇ ગયા હતા, હુમલો એટલો જોરદાર હતો કે, ડો. નીરવ બેહોશ થઇ ગયા હતા. જોકે સૌ તબીબોએ તેમને માંડ છોડાવ્યા હતા અને બેઠકમાં હાજર તબીબો પણ ડઘાઇ ગયા હતા.
બનાવ બાદ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લેવાયો હતો. ગોત્રી પોલીસ મથકમાં અરજી આપ્યા બાદ આ બનાવ સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હોવાથી તપાસના કામની અરજી ત્યાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
આ ઘટનાને લઈ વડોદરા તબીબી આલમમાં ભારે ચકચાર મચી જવા પામી છે.