વડોદરામાં રાજવી પરિવાર દ્વારા આજે પરંપરાગત રીતે દેવપોઢી અગિયારસે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીની રથયાત્રા નીકળી હતી, ભગવાન વિઠ્ઠલનાથજી નગરચર્ચાએ નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
મહારાજા ગાયકવાડ સંચાલિત દેવસ્થાન ટ્રસ્ટ અંતર્ગત માંડવી નજીક આવેલા સુપ્રસિદ્ધ વિઠ્ઠલનાથજી મંદિરમાંથી રાજાશાહી વખતની વર્ષો જૂની પરંપરા મુજબ આજે સવારે 9 કલાકે અષાઢી સુદ એકાદશીના પાવન દીને ચાંદીના રથમાં ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો.
શ્રી વિઠ્ઠલનાથજીની રથયાત્રામાં પરંપરાગત રીતે ગાયકવાડ પરિવાર દ્વારા મંગલમય પૂજા અર્ચના કરવામાં આવી હતી અને આરતી બાદ સોના-ચાંદીના રથમાં શ્રીજીનો વરઘોડો નિકળ્યો હતો.
ભગવાનની રથયાત્રા શહેરના માંડવી , લહેરીપુરા ગેટથી ન્યાયમંદિર થઇ જ્યુબિલીબાગ, રાવપુરા ટાવર, કોઠી ચાર રસ્તા , આરાધના સિનેમા થઇ કિર્તિ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલ કેદારેશ્વર મહાદેવ મંદિરમાં પહોંચી ભગવાન શ્રી હરીહરની ભેટ કરી તેમજ પૂજન- અર્ચના આરતી બાદ સાંજના 5 કલાકે વિઠ્ઠલનાથજી મંદિરે પરત ફરશે.