વડોદરામાં ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી કાજલ આહિર છેલ્લા ઘણાજ સમયથી સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ મળી જાય તે માટે પ્રયાસ કરતા હતા તે દરમિયાન તેમનો મિત્ર દિનકર જાધવ મળી ગયો હતો અને જણાવ્યું હતું કે, તું નોકરી માટે અરજી કરી દે, નોકરી મળી જશે અને જો આ બાબતે પૈસાની જરૂર પડશે તો તે આપશે. જેથી કાજલે અરજી કરી દીધી હતી અને બાદમાં દિનકરે સચિન પટેલ સાથે કાજલની ઓળખાણ કરાવી હતી. સચિને કાજલને જણાવ્યું હતું કે, જો તમારે નોકરી જોઈતી હોય તો તમારા બધા પ્રમાણપત્ર મોકલી દો અને આ કામ માટે રૂ 2.50 લાખ થશે.
બીજી તરફ દિનકરે પણ કાજલને વિશ્વાસ અપાવ્યો હતો કે, સચિન કામ કરી દેશે, જેથી કાજલને પણ સચિન પણ વિશ્વાસ બેઠો હતો. સચિને કાજલને બ્લેન્ક ચેકનો ફોટો મોકલીને કહ્યું હતું કે, તે જ્યારે કહે ત્યારે આ એકાઉન્ટ નંબર પર પૈસા મોકલી દેજો. જેથી કાજલે તબક્કાવાર 2.50 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી આપ્યા હતા. જોકે બાદમાં કાજલ દ્વારા નોકરીનું પૂછવામાં આવતાં સચિન દ્વારા કોઈ પણ સંતોષકારક જવાબ આજદિન સુધી અપાયો નથી અને નોકરી અંગે પણ કોઈ જાણકારી ન મળતાં કાજલે સચિન પટેલ વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
આમ,છાણી જકાતનાકા પાસે રહેતી કાજલને ઠગ ભટકાઈ જતા રૂ.2.50 લાખ ખોવાનો વારો આવ્યો હતો.
પોલીસે ઠગ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.