વડોદરાની ચોતરફ નવનાથ સ્વરૂપે બિરાજમાન થઇને સંસ્કારી નગરીનું કુદરતી કે કૃત્રિમ આફતોમાં રક્ષણ કરતા ભગવાન ભોળાનાથનાં દર્શન હેતુ નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિના ઉપક્રમે શ્રાવણના છેલ્લા સોમવારે તા.૨પ ઓગસ્ટે નવનાથ મહાદેવ મંદિરોને જોડતી ૩૧ કિ.મી.ની કાવડ યાત્રાનું આયોજન કરાયું છે. નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિના સભ્યો જણાવ્યું હતું કે, વડોદરાની ફરતે આવેલા પ્રાચીન નવનાથ મંદિરો વિશે શહેરજનોને માહિતી મળે અને પવિત્ર શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓ નવનાથ મંદિરોનાં દર્શનનો લ્હાવો લઇ શકે તે હેતુ છેલ્લા સોમવારે કાવડ યાત્રાનું આયોજન કરાયું છે.
યાત્રાનો પ્રારંભ સિદ્ધનાથ મહાદેવ મંદિરથી સવારે ૭ કલાકે થશે અને યાત્રાનું સમાપન વડસરના કોટનાથ મહાદેવ ખાતે સાંજે ૭ વાગે થશે.પ૧ કાવડિયાઓ ૩૧ કિ.મી.ની યાત્રા ખુલ્લા પગે ચાલીને માનસરોવર જળ, ગંગા જળ, નર્મદા જળ, મહી નદીનું જળ અને ગૌરી કુંડના પવિત્ર જળથી નવનાથ મહાદેવને વૈદિક મંત્રોચ્ચાર સાથે જલાભિષેક કરશે. પ૦૦ થી વધુ શિવભક્તો શંખ, ઝાલર, ડંકા- નિશાન, ભજન મંડળીઓ દ્વારા થતા ભજન-કીર્તન સાથે નવનાથ મંદિરોની યાત્રાનો લ્હાવો લેશે. કાવડ યાત્રાનું ૧૦૦ સ્થળોએ ઉલ્લાસભેર સ્વાગત કરાશે. સેવાસદને વાર્ષિક ડાયરીમાં નવનાથ મંદિરોનો જોવાલાયક સ્થળો તરીકે સમાવેશ કરવાનું નક્કી કર્યુ છે.
નવનાથ મહાદેવ નું મહત્વ શું છે.
શહેરની ચોતરફ નવનાથ મહાદેવ બિરાજમાન છે. નવનાથ મહાદેવને કારણે કુદરતી કે કૃત્રિમ આફતો વેળા વડોદરા શહેરનું હંમેશાં રક્ષણ થતું આવ્યું હોવાની લોકવાયકા છે. વડોદરા નવનાથ દ્વારા રક્ષિત છે. પ્રાચીન નવનાથ મંદિરોની સ્થાપના ગાયકવાડ રાજવીઓના સમયમાં થઇ હોવાની માહિતી છે. સયાજીરાવ-બીજા દ્વારા આ મંદિરોનો ર્જીણોદ્ધાર કરાયો હતો.
વડોદરા માં કવડયાત્રા એક ઉત્સવ બન્યો છે
શહેરમાં અત્યાર સુધી નરસિંહજીનો વરઘોડો, વિઠ્ઠલનાથજીનો વરઘોડા, રથયાત્રા, શિવજીકી સવારી, ગણેશોત્સવ, નવરાત્રિ એક ૬ મોટા ઉત્સવો શહેરનું આકર્ષણ હતા. હવે શ્રાવણ ના સોમવારે યોજાનાર કાવડ યાત્રા શહેરનો ૭ મો મોટો ઉત્સવ બનશે.