વડોદરાના સમા વિસ્તારમાં રાત્રે 11 વાગ્યે પાર્ક કરેલી રૂ.17 લાખની કિંમતની નવી નક્કોર થાર જીપ કારની ચોરી થતા ભારે ચકચાર મચી છે.
ઘરમાં લગાવેલા તથા આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતા મોડી રાત્રે એક વૈભવી કારમાં આવેલા તસ્કરો જીપનું બોનેટ ખોલી જીપ ચાલુ કરી કારની ચોરી કરી લઈ જતા દેખાઈ રહ્યા છે.
વડોદરામાં ન્યૂ સમા રોડ, ગાયત્રીનગર સોસાયટી કૈલાસપતિ મંદિર સામે રહેતા હરીપ્રસાદ બાજપાઈએ ફતેગંજ પોલીસ મથકે જીપ ચોરીની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તેઓ જીએસએફસી કંપનીમાંથી નિવૃત્ત થયા બાદ પરીવાર સાથે રહે છે.
તેઓએ 28 દિવસ પહેલા મહિન્દ્રા કંપનીની થાર જીપ 17 લાખમાં ખરીદી હતી,જેના નંબરના રજિસ્ટ્રેશનની કાર્યવાહી ચાલી રહી છે અને જીપમાં એના કાગળો પણ હતા જેની સાથે જીપ ચોરી થઈ છે.આમ,ફરિયાદ કરવાનો આધાર જ ના રહે તે રીતે થાર જીપની ચોરી થતાં પરિવારમાં નિરાશા વ્યાપી ગઈ છે.
આ કાર ચોરીમાં સાંચોરની ગેંગ હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે
આ પ્રકારની જીપની ચોરી કરવામાં રાજસ્થાની ગેંગ સક્રિય હોય છે અને સાંચોર જિલ્લામાં ચોરીની કાર ત્યાં પહોંચ્યા બાદ થોડા જ સમયમાં એના ચેસિસ નંબર અને એન્જિન નંબર બદલી કલર પણ બદલી કાઢવામાં આવે છે બાદમાં વાહન પરત મળવાના ચાન્સ ખુબજ ઓછા હોય છે.
જોકે,પોલીસ આ ઘટનામાં તપાસ કરી રહી છે.