વડોદરા ના પાણીગેટ એરિયા માં આવેલ બાવામાનપુરા માં નવું બંધાઈ રહેલું તકલાદી ચાર માળ નું બિલ્ડીંગ મોડી રાતે ધડાકાભેર તૂટી પડતા રાત ના અંધકાર માં વાતાવરણ ચીસો થી ગાજી ઉઠ્યું હતું. આ ઘટના માં 9 શ્રમિકો દબાયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી રાત્રે 1 વાગ્યા સુધી માં 9 પૈકી 1 બાળક સહિત 3ને બચાવી લેવાયા હતા, જોકે તે પૈકી બે યુવકો ના મોત થઈ ગયા હતા.
બનાવ ને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં દોડી આવેલા લાશ્કરો એ LED લાઇટની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
પ્રાથમિક માહિતી મુજબ દબાયેલા વ્યક્તિઓ શ્રમજીવીઓ હતા. જે સૂતા હતા ત્યારે જ ઇમારત તૂટી પડતાં કાટમાળ નીચે દબાઇ ગયા હતા. આ ઇમારતનું હાલમાં કામ ચાલી રહ્યું હતું. મધરાતે બાવામાનપુરા વિસ્તાર એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓના સાઇરનથી ગૂંજી ઉઠ્યો હતો. ઇમારતના ભોંયતળિયે આવેલા સર્વિસ સ્ટેશનમાં પડેલી 2 કાર સહિતના વાહનોનો પણ ખૂરદો બોલી ગયો હતો. સવારે મૃત્યુઆંક વધવાની શકયતા છે. આ ઘટના ને પગલે ભારે ચકચાર મચી ગઇ છે અને તકલાદી બાંધકામ નો ભાંડફોડ થયો છે.
