વડોદરાના છેવાડે આવેલા ભીમપુરા પેટ્રોલપંપ ઉપર કોઈપણ કપડાં પહેર્યા વગર નગ્ન હાલતમાં આવી ચડેલા એક અંદાજે 30 થી 35 વર્ષના યુવાને પેટ્રોલપંપ પર ધમાલ કરી કર્યા બાદ પેટ્રોલપંપની નોઝલ ચાલુ કરીને જાહેરમાં પેટ્રોલ પાણીની જેમ છાંટવા મંડતા ભારે હંગામો મચ્યો હતો.
બાદમાં કેશિયરની કેબિનમાં ઘૂસી ગયેલા આ યુવાને ડ્રોઅરમાંથી પૈસા કાઢીને બહાર ફેંકવા માંડ્યો હતો.
પંપ ઉપર હાજર કર્મચારીએ પેટ્રોલ પંપ માલિકને જાણ કરતાં તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
મળસકે ત્રણ વાગે ભીમપુરા પેટ્રોલપંપ ખાતે પેટ્રોલ પંપ ઉપર એક કર્મચારી હાજર હતો ત્યારે અંદાજે 30-35 વર્ષનો એક વસ્ત્રહીન યુવક પેટ્રોલપંપ ઉપર આવ્યો હતો, આ વસ્ત્રહીન યુવકને જોઈને પંપના કર્મીઓ ચોંકી ઊઠ્યા હતા.
કર્મીઓ કાંઇ સમજે તે પહેલાં તેણે પેટ્રોલ પૂરવાની નોઝલ લઇને પાણીની જેમ મેદાનમાં પેટ્રોલનો ફુવારો ચાલુ કરી દીધો હતો અને અંદાજે 15 હજારનું પેટ્રોલ છાંટી દીધું હતું.
ત્યારબદ તે કેશિયરની કેબિનમાં ઘૂસ્યો હતો જ્યાં ટેબલના ખાનાં માંથી કેશ કાઢી ઉડાવવા લાગ્યો હતો.
આ અંગે વડોદરા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ પેટ્રોલપંપ ખાતે પહોંચી હતી અને વસ્ત્રહીન યુવકને ઝડપી લીધો હતો.
આ યુવક વડોદરામાં તેની માતા પાસે રહે છે, તેનાં લગ્ન એક વર્ષ પહેલાં થયાં હતાં અને અગાઉ તે બેંકમાં નોકરી કરતો હતો, યુવકના પિતા ભોપાલમાં નિવૃત્ત જીવન ગુજારે છે અને યુવક માનસિક રીતે અસ્થિર હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
જોકે,પેટ્રોલપંપના સંચાલકે ફરિયાદ કરવાની ના કહેતાં યુવકને છોડી દેવાયો હતો.