વડોદરામાં બુટલેગર સાથે દોસ્તી ધરાવતા અને તેની સાથે સાંઠગાંઠ ધરાવતા બાપોદ પોલીસ મથકના એલઆરડી જવાનને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
અત્રે નોંધનીય છે કે વડોદરા પીસીબી શાખાએ ગત 2 તારીખે તરસાલી વિસ્તારના આવાસો પાછળ મેદાનમાં બુટલેગર પ્રદીપ ઉર્ફે લાલો અને ધવલ પ્રજાપતિ દારૂનું કટિંગ કરતા હતા ત્યારેજ રેડ પાડી દારૂ સાથે બે કાર મળી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
આ રેડ વખતે બુટલેગરોની અંગ જડતી લેવામાં આવી ત્યારે ધવલ પ્રજાપતિના ખિસ્સામાંથી બાપોદ પોલીસ મથકના એલઆરડી જવાન ભાર્ગવ ગઢવીનું આઈ કાર્ડ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.
મકરપુરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં બુટલેગર પાસે ગુજરાત પોલીસ કાર્ડ નંબર 61 ભાર્ગવ એસ ગઢવી યુ એલઆરડી બકકલ નં-2146 વડોદરા સીટી લખેલું ઝેરોક્સ સ્માર્ટ કાર્ડ મળ્યું હોવાનો ઉલ્લેખ હોવાથી પોલીસે આ કાર્ડ બુટલેગર પાસે કેવી રીતે આવ્યું એની તપાસ હાથ ધરી હતી અને તપાસમાં તથ્ય જણાતા ડીસીપી ઝોન-4 દ્વારા ભાર્ગવ ગઢવીને સસ્પેન્ડ કરી દેવાયો હતો.
બાપોદ પોલીસ મથકના એલઆરડી ભાર્ગવ ગઢવીનું આઈકાર્ડ બુટલેગર પાસેથી મળતાં થયેલી તપાસમાં અગાઉ માંજલપુર પોલીસમાં ફરજમાં તેનું ઘર બુટલેગરના મકાનની નજીક હોવાનું અને બંને વચ્ચે સંપર્ક હોવાનું પ્રાથમિક તપાસમાં જણાતા સસ્પેન્ડ કરાયો છે.
અગાઉ માંજલપુર વિસ્તાર ફ્લેટમાં ચાલતા જુગાર ધામ ઉપર પડેલા દરોડા દરમિયાન પણ આ ફ્લેટ પોલીસ જવાન ભાર્ગવનો હોવાનું સામે આવ્યુ હતુ એ સમયે એને બચાવી લેવાયો હોવાનું ચર્ચામાં છે.