વડોદરામાં ભાજપ અગ્રણી અને બિલ્ડર અપૂર્વ પટેલે ફ્લેટ વેચવાના નામે લોકોને ચુનો લગાવ્યો હોવાનો મામલો હવે પોલીસ મથકે પહોંચતા ભારે ચકચાર મચી છે.
વડોદરામાં ભાજપના અગ્રણી અને બિલ્ડર અપૂર્વ પટેલ સામે સીઆઇડી ક્રાઈમમાં છેતરપિંડી સબબ નોંધાયેલી ફરિયાદ બાદ છેતરપીંડીનો ભોગ બનેલા લોકોની લાઈન લાગતા પોલીસ ચોંકી ઉઠી છે.
અપૂર્વ પટેલ અને તેની પત્ની દ્વારા છેતરાયેલા લોકોની સંખ્યા 150 જેટલી થતા ભારે હોબાળો મચી ગયો છે.
વડોદરામાં અગાઉ મેપલ વિલા અને મેપલ મેડોઝ બાદ હવે મેપલ સિગ્નેચરમાં મોટી સંખ્યા લોકોને ફ્લેટના નામે છેતરવામાં આવ્યા હોવાની વાત સામે આવતા સબંધિત વર્તુળોમાં આ પ્રકરણ ભારે ચર્ચામાં આવ્યું છે.
વિગતો મુજબ વડોદરામાં સિદ્ધિ વિનાયક ડેવલપર દ્વારા મુકાયેલ સ્કીમ મેપલ સિગ્નેચર તો રેરામાં રજિસ્ટર્ડ પણ નહિ હોવા છતાં 40થી વધુ લોકો પાસેથી મંજૂરી આવી જશે અને નિયત સમયમાં ફ્લેટનું પજેશન આપવાનો વિશ્વાસ આપી છેતરપિંડી કરાયાની રજૂઆત થઈ છે.
શનિવારે માંજલપુર ટેન્સાઇલની જગ્યા પાસે જ્યાં સિગ્નેચર સ્કીમ મુકાઈ હતી ત્યાં વરસતા વરસાદમાં મોટી સંખ્યામાં છેતરાયેલા લોકો એકત્ર થઈ ગયા હતા.
સામાન્ય અને મધ્યમ વર્ગના અનેક લોકો પાસેથી ફ્લેટ અને દુકાનના નામે રૂપિયા લીધા બાદ જુદા જુદા બહાને બાંધકામ થઈ શકતું ન હોવાનું જણાવ્યું હતું. 2019માં શરૂ થયેલી આ છેતરપિંડીના ખેલમાં કોરોનાનું બહાનું કાઢી લાંબો સમય કાઢી નાખી બાંધકામ શરૂ ન કરતાં મકાન ખરીદનારાઓ જ્યારે કડક બનતા બિલ્ડરે થાય તે કરી લેવાની ધમકી આપતા મામલો હવે પોલીસ મથકે પહોંચ્યો છે.
ભાજપ સાથે સંકળાયેલા હોવાનું જણાવનાર બિલ્ડર અપૂર્વ પટેલની સ્કીમ સિગ્નેચરમાં ફ્લેટ લેનાર એક વકીલ પૂર્વિશ પટની પણ છેતરપીંડીનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે.
બિલ્ડર અપૂર્વ પોતે વિધાનસભાનો ઉમેદવાર હોવાની વાત કરતા હોવાની લોકોમાં ચર્ચા ઉઠી હતી.
પાદરા તાલુકા ભાજપનાઉપપ્રમુખ હોવાથી ઉચ્ચ નેતાઓ જોડે સબંધ હોય વિધાનસભાની ટિકિટ પાક્કી કરી લીધી હોવાની વાત બિલ્ડર અપૂર્વ પટેલ કરતા હોય રાજકારણમાં વગ ધરાવતા હોવાનું માની લોકો તેઓ સામે કાર્યવાહી નહિ થાય તેમ માની ડરતા હતા તેવી વાત સામે આવી છે.