વડોદરામાં રખડતા ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમને ખદેડી મૂકી પશુ માલિકો ઢોર છોડાવી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો
શહેરના પૂર્વ વિસ્તારમાં આજે પાલિકાની ઢોર પાર્ટીના માણસો અને પશુપાલકો વચ્ચે ઢોર પકડવા મામલે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થતા લોકો એકત્ર થઇ ગયા હતા.
આજવા રોડ ઉપર રાત્રિ બજાર પાસે ઢોર પાર્ટી દ્વારા એક વાછરડી અને એક ભેંસને પકડી ઢોર ડબામાં પુરવા તૈયારી કરી રહ્યા હતા તે સમયે પશુપાલકોને આ વાતની જાણ થતાં તેઓ સ્થળ ઉપર આવી જતા ઢોર પાર્ટીના માણસોને ઘેરી તેઓ સાથે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી કરી ભેંસ છોડાવી ગયા હતા. મુખ્ય માર્ગ ઉપર ઢોર પાર્ટીના માણસો અને પશુપાલકો વચ્ચે થયેલા ઘર્ષણને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
અગાઉ ગોરવા વિસ્તારમાં પણ પશુપાલકો ઢોર પાર્ટીના માણસો સાથે ઝપાઝપી અને મારામારી કરીને ઢોર પાર્ટીએ પકડેલી ગાયો છોડાવી ગયા હતા. તે બાદ આજે આજવા રોડ ઉપર ઢોર પાર્ટી દ્વારા પકડવામાં આવેલી ભેંસ છોડાવી જતા ચકચાર મચી ગઇ હતી. ઢોર પાર્ટીના લાચાર માણસોએ ઝંપાઝપી કરી ભેંસ છોડાવી જનાર પશુપાલકો સામે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.