વડોદરાઃ આજે ગુજરાતના 6 મનપાની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. જેમાં વડોદરામાં માત્ર 22 વર્ષની યુવતીએ જીત હાંસલ કરી કોર્પોરેટ બની ગઇ છે. આમ આદમી પાર્ટીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં બે વોર્ડની ચાર-ચાર મળીને આઠ બેઠકો પર જીત મેળવી છે જ્યારે એક વોર્ડમાં ભાજપની પેનલ તોડીને જીત મેળવતાં સુરતમાં આમ આદમી પાર્ટીના 13 ઉમેદવારો જીત્યા છે.
વડોદરામાં ભાજપના 45 તો કોંગ્રેસના 7 ઉમેદવારો આગળ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ 7માં ભાજપના ચારેય ઉમેદવારની જીત થઈ છે. આ પૈકી ભાજપનાં ઉમેદવાર ભૂમિકા રાણાની વય માત્ર 22 વર્ષની જ છે. આ વોર્ડમાં કોંગ્રેસની ટિકિટ પર છેલ્લી ચૂંટણીમાં જીતેલાં ભૂતપૂર્વ કોર્પોરેટર જાગૃતિ રાણાની હાર થઈ છે.
વડોદરામાં ભાજપે કોંગ્રેસ પાસેથી વોર્ડ નંબર 7માં બે બેઠકો આંચકી લીધી છે અને ભાજપનાં સૌથી યુવા મહિલા ઉમેદવાર ભૂમિકા રાણાની જીત થઈ છે. ભૂમિકા રાણાની ઉંમર 22 વર્ષ છે. વડોદરામાં વોર્ડ 10માં ભાજપની પેનલનો વિજય થયો હતો. ભાજપના નીતિન ડોંગા, ઉમંગ બ્રહ્મભટ્ટ, અવની સ્ટેમ્પવાલા અને લીલા મકવાણાનો વિજય થયો હતો. વિજેતા ઉમેદવારોએ વડોદરાની જનતાનો આભાર માન્યો હતો તો કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.