વડોદરામાં મેફેડ્રોન ડ્રગ્સના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થયો છે અને બિચ્છુ ગેંગનો સાગરીત સહિત મુંબઇની એક મહિલા મળી કુલ ચાર ઇસમોને રૂ. 8 લાખની કિંમતના 81 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપી પાડી પોલીસે ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે.
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતો બિચ્છુ ગેંગનો સાગરીત તનવીર ઉર્ફે તન્નુ મલેક તથા તેની સાથે એક મધુમિતા ઉર્ફે અનામિકા નામની મહિલા, પાર્થ ઉર્ફે સરદાર મધ્ય પ્રદેશ પાસિંગની કારમાં મધ્ય પ્રદેશ તરફથી એમ.ડી.ડ્રગ્સનો જથ્થો લઇને હાલોલ રોડ થઇ વડોદરા આવી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે ગોલ્ડન ટોલનાકા પાસે વૉચ ગોઠવી હતી જ્યાં બાતમી મુજબની શંકાસ્પદ કાર પસાર થતાં પોલીસે તેનો પીછો કરી દરજીપુરા RTO રોડ પર અટકાવી હતી અને કારમાં તપાસ કરતા રૂ. 8 લાખ 10 હજાર 400ની કિંમતનું 81 ગ્રામ 40 મિલિગ્રામ ડ્રગ્સ મળી આવતા પોલીસે કાર અને ડ્રગ્સ મળી કુલ 12 લાખ 8 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સો મધ્યપ્રદેશના ઉજ્જૈન-ઇન્દોર હાઇવે પર આવેલ શીતલ હોટલ પાસે રતલામના ડ્રગ્સ સપ્લાયર લાલુ નામના વ્યક્તિ પાસેથી આ જથ્થો ખરીદ્યો હોવાની કબૂલાત કરી હતી.
રસ્તામાં ચેકિંગ ન થાય તે માટે તેમણે મુંબઇના થાણેમાં રહેતી મધુમિતા ઉર્ફે અનામિકાને સાથે લીધી હતી.
સાથેજ મેફેડ્રોન ડ્રગ્સના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થતા મહિલા સહિત ચાર સામે વડોદરાના હરણી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરવામાં આવી છે. જ્યારે રતલામના લાલુ નામના ડ્રગ્સ સપ્લાયરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.