હાલ રાજ્યમાં રખડતા ઢોર પકડવાની શરૂ થયેલી કામગીરી વચ્ચે ઘર્ષણના બનાવો વધી રહયા છે ત્યારે વડોદરામાં
આજે સવારે અકોટા આર.સી. દત્ત એસ્ટેટ પાસે રખડતી ગાયો પકડવા માટે કોર્પોરેશનની ઢોર પાર્ટી પોલીસ પહોંચી અને રખડતા 3 ઢોર પકડ્યા તે સમયે પશુપાલકોએ ઢોર પાર્ટી અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું જેમાં પથ્થરમારો કરી પશુ માલિકો 3 પશુ છોડાવી જતા ભારે ચકચાર મચી ગઇ હતી.
આ ઘટનામાં પોલીસે બે પશુપાલકોની અટકાયત કરી છે.
આજે સવારે આર.સી. દત્ત રોડ ઉપર રખડતા પશુઓ પકડવા ઢોર પાર્ટી પહોંચી હતી અને રખડતા ત્રણ ઢોર ડબ્બામાં પુરતા પશુપાલકોએ હલ્લો બોલાવતા ભારે તંગદીલી ઉભી થઇ હતી. પશુ માલિકોનો આક્ષેપ હતો કે ઢોર પાર્ટીએ ઘાસ ચરી રહેલા અને બાંધેલા પશુઓ ઢોર ડબ્બામાં પૂર્યા હતા અને પશુપાલકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો. ઢોર પાર્ટી ખોટી રીતે પશુઓ પકડી રહી છે.
ઢોર પાર્ટીને પશુપાલકો દ્વારા પ્રતિમાસ ભરણ પણ આપવામાં આવે છે. છતાં, ઢોરપાર્ટી દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. આજે પશુપાલકોએ ઢોરપાર્ટી અને પોલીસ ઉપર પથ્થરમારો કરતા ઢોર પાર્ટીના સુપરવાઇઝર પી.વી. રાવ અને પોલીસ જવાનોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.