વડોદરામાં રામ નવમીના દિવસે ધાર્મિક યાત્રા પર થયેલા પથ્થરમારા બાદ પોલીસ હવે એલર્ટ છે અને આવતી કાલે નિકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કોઈ તોફાની તત્વો કાંકરીચાળો ન કરે તે માટે પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘે કડક કાર્યવાહીનો આદેશ આપતા દૂધવાળા મહોલ્લા કે પછી ભૂતકાળમાં પથ્થરમારો કરનારા 500થી વધુ તોફાનીને પોલીસે ઓળખી કાઢી 7 દિવસથી આરોપીઓના ઘરે જઈને પોલીસ તપાસ કરી રહી છે.
રથયાત્રા પૂર્વે વાડી, પાણીગેટ, રાવપુરા સહિતના અશાંત વિસ્તાર ધરાવતા પોલીસ મથકોના પીઆઈને તેમના વિસ્તારમાં પથ્થરમારો અને ભાંગફોડ પ્રવૃત્તિ કરનાર તત્વોને ઓળખી તેમના ઘરે રોજ પોલીસ મોકલી તપાસ કરવા જણાવતા પોલીસ હરકતમાં આવી છે.
20 જૂને નીકળનારી રથયાત્રા માટે પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘની આગેવાનીમાં આજે બપોરે 2 વાગે રિહર્સલ કરાશે. જે દરમિયાન બંદોબસ્તની વ્યૂહ રચના ચકાસવામાં આવશે.
રથયાત્રા દરમિયાન બંદોબસ્તમાં 7 ડીસીપી, 15 એસીપી, 25 પીઆઈ અને 50થી વધુ પીએસઆઈ સહિત 1500 જવાનો બંદોબસ્તમાં ખડેપગે ફરજ બજાવશે.
રથયાત્રા પૂર્વે રૂટ પર આવતાં ઊંચાં મકાન-ઇમારતોના ધાબા ચેકિંગ માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
પોલોસ કમિશનરે કડક કાર્યવાહીના આદેશ કરતા આરોપીઓ પથ્થર ફેંકવાનું ભૂલી જશે તે રીતના કાર્યવાહીના સંકેત આપ્યા છે.
હાલ 600 આરોપી પર સર્વેલન્સ ગોઠવ્યું છે. તેમની સામે અટકાયતી પગલાં પણ ભરાઈ રહ્યાં છે.