રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડતાં તંત્રમાં ભારે દોડધામ મચી છે ત્યારે હજુ ભારે વરસાદની આગાહી થતા તંત્ર એલર્ટ બન્યું છે.
વડોદરામાં પણ રાતભર વરસાદ ચાલુ રહ્યો હતો પરિણામે શહેરના ચાર દરવાજા, માંજલપુર ગામ, મકરપુરા, સરદાર એસ્ટેટ, પ્રતાપનગર, ગોરવા, ગોત્રી, સુભાનપુરા, ભાયલી, સેવાસી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા પરિણામે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
શહેરમાં ઘટાટોપ કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમીધારે વરસેલા વરસાદના પગલે કેટલીક જગ્યાએ વૃક્ષો તૂટી પડવાના બનાવો બન્યા હતા,જેમાંસમા-સાવલી રોડ, જેતલપુર, જાંબુઆ બ્રિજ, મનીષા ચોકડી સહિતના વિસ્તારોમાં 6 વૃક્ષો તૂટી પડ્યાં હતાં. સાંજે 6 વાગે મનીષા ચાર રસ્તા પાસે ઝાડ પડતાં કાર દબાઈ હતી. જેતલપુર રોડ ઉદયપાર્કમાં સવારે 5:40 કલાકે ઝાડ તૂટી પડ્યું હતું.
લહેરીપુરા ન્યૂ રોડ પાસે મસ્જિદ નજીક 70 વર્ષ જૂના મકાનના બીજા માળની દીવાલ સવારે 7-30 વાગ્યાના અરસામાં બાજુના મકાન પર પડતાં દોડધામ મચી હતી.
બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની મદદ લેવાઈ હતી.
દીવાલ પડી તે મકાનમાં હાલ કોઈ રહેતું નહી હોવાથી સદનસીબે જાનહાની ટળી હતી. જ્યારે રવિવારે રાત્રે 8 વાગ્યાના અરસામાં માંજલપુર મારુતિધામમાં મકાનની છાજલી ધરાશાયી થતાં ફાયરબ્રિગેડની મદદ લેવાઈ હતી.
ડભોઈ, વાઘોડિયા, કરજણ સહિતના નદી કિનારા તેમજ નિચાણવાળા વિસ્તારોમાં તંત્ર નજર રાખી રહ્યું છે. ટીડીઓ, મામલતદાર, સરપંચ, રેશનિંગના દુકાનદાર અને ગામના અગ્રણીને વિકટ સ્થિતિમાં જાણ કરવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે.