વડોદરામાં છેલ્લા બેદિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગતરોજ સાંજે છ વાગ્યાના અરસામાં શહેરમાં ભારે વંટોળ સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હતો તે દરમ્યાન અજબડી મીલ રોડ ઉપરથી એકટીવા ઉપર પસાર થઈ રહેલા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અમરસિંહ ગોરધનભાઈ રાજપૂત ઉપર કડાકા ભેર અચાનક ઝાડ તૂટી પડતાં તેઓને માથામાં ગંભીર ઇજા થતા તેઓનું ઘટનાસ્થળ પર જ કરૂણ મોત થતા ગમગીની પ્રસરી ગઈ છે.
ઝાડ એકટીવા ઉપર પડતાની સાથે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. પરંતુ ઝાડનું થડ વજનદાર હોવાના કારણે સ્થાનિક લોકો ઉઠાવી શકે તેમ ન હોવાથી આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયરના અધિકારીઓ તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એક્ટીવા ઉપરથી ઝાડને દૂર કરી ઇજાગ્રસ્ત થઇ ગયેલા પોલીસ જવાન અમરસિંહ રાજપૂતને સયાજી હોસ્પિટલમા સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટનાને પગલે ભારે અરેરાટી ફેલાઇ જવા પામી છે.