વડોદરામાં ચોમાસા દરમિયાન મગરો રહેણાંક વિસ્તારમાં ઘૂસી જવાની ઘટનાઓ શરૂ થઈ જાય છે ત્યારે વડોદરા નજીક આવેલ સુખલીપુરા ગામમાં રહેણાંક ઘર પાસે 12 ફૂટ લાંબો મહાકાય મગર ઘૂસી આવતા લોકો ગભરાઈ ગયા હતા દરમિયાન ગ્રામજનોએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમને જાણ કરતા રેસ્ક્યુ ટીમ દ્વારા મગરનું ચાલુ વરસાદમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
રાત્રિના 3 વાગ્યાના અરસામાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ ભાઈ ઉપર સુખલીપુરા ગામના સરપંચનો ફોન આવ્યો હતો કે,તેઓના ગામમાં ભરવાડ વાસ પાસે એક મહાકાય મગર આવી ચડ્યો છે.જે કોલ મળતા જ સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપૂત, કિરીટ રાઠોડ, અશોક વસાવા, હાર્દિક પવાર અને વડોદરા વન વિભાગના રેસ્ક્યુઅર નીતિન પટેલ અને લાલજી નિઝામાને લઈને ત્યાં પહોંચ્યા હતા. જ્યાં એક મહાકાય 12 ફૂટના મગર જોવા મળ્યો હતો જેને અડધો કલાકની ભારે જહેમત બાદ સલામત રીતે રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગનાં રેસ્ક્યુ સેન્ટર પર લઈ જઈ સોંપવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા વિસ્તારમાં મગરો ચોમાસામાં બહાર આવી ચડે છે, વિશ્વામિત્રી નદીમાં 250થી 300 મગર ઉપરાંત આજવા ડેમ, દેવ નદી, ઢાઢર નદી અને જિલ્લાના તળાવોમાં મળી અંદાજે એક હજાર જેટલા મગરની વસ્તી છે.
ત્યારે આવા સમયે નદી-નાળા-તળાવોથી દુર અને સતર્ક રહેવા જણાવાયુ છે.