વડોદરામાં ગણેશજી ઉત્સવ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ગણેશજી ની મૂર્તિઓ પંડાલ સુધી લાવવામાં આવી રહી છે ત્યારે શહેરના પાણીગેટ રોડ ઉપર મોડી રાત્રે શ્રીજીની પ્રતિમા લઈ જઈ જતી વખતે બે કોમ વચ્ચે કાંકરીચાળો થતાં નાસભાગ મચી ગઈ હતી. તોફાની ટોળાએ પાણીગેટ દરવાજા પાસે આવેલા ધર્મસ્થાનના કાચ તોડી નાખવા સાથે રસ્તા ઉપર પાર્ક કરેલી કારના કાચ તોડી નાખ્યા હતા. આ ઉપરાંત એકથી વધુ લારીઓ ઊધી પાડી દીધી હતી. આ બનાવમાં પોલીસે મોડી રાત્રે 13 તોફાનીની ધરપકડ કરી લીધી હતી. દરમિયાન સિટી પોલીસ મથકમાં 30 લોકોનાં ટોળાં સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોડી રાત્રે બનેલા આ બનાવના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ભાગદોડ અને પથ્થરમારાનાં દૃશ્યો જોવા મળ્યાં છે.
આવતીકાલે 31 ઓગસ્ટથી ગણેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. વડોદરા શહેરનાં મોટા ગણેશમંડળો દ્વારા શ્રીજીને વાજતે-ગાજતે તૈયાર કરેલા પંડાલોમાં લઇ જઇ રહ્યા છે. મોડી રાત્રે વાઘોડિયા રોડ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસેના ગણેશ યુવક મંડળ દ્વારા શ્રીજીને વાજતે-ગાજતે પંડાલ તરફ આવી રહ્યા હતા. દરમિયાન અત્યંત સંવદેનશીલ મનાતા પાણીગેટ દરવાજા પાસે એકાએક એકાએક પથ્થર મારો થતાં શ્રીજીની સવારીમાં લોકોમાં જોડાયેલા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનામાં પોલીસે 13 ની અટક કરી હતી.