સુરતમાં તક્ષશિલા કાંડ સર્જાયા બાદ રાજ્યભરમાં ભારે હોબાળો મચી ગયો હતો ત્યારથી તકેદારીના પગલાં ભરવામાં આવી રહયા છે તેવે સમયે આવીજ એક ઘટના વડોદરા શહેરના સુસેન સર્કલ પાસે આવેલી ફિનિક્સ સ્કૂલમા બનતા વિદ્યાર્થીઓના જીવ અઘ્ધર થઈ ગયા હતા પરંતુ સ્થળ ઉપર તરતજ ધસી ગયેલા ફાયર બ્રિગેડ ના 7 ફાઈટરો અને લાશ્કરો તેમજ પોલીસ જવાનોએ ક્લાસ રૂમમાં ફસાયેલા 450થી વધુ વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરી સલામતરીતે બહાર કાઢ્યા હોવાની ઘટના બાદ લોકો ફાયર બ્રિગેડના લાશ્કરો અને પોલીસ જવાનોની કામગીરી બિરદાવી રહયા છે.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં સુસેન સર્કલ નજીક આવેલી ફિનિક્સ સ્કૂલના ત્રીજા માળે એમ.સી.બી.માં સવારના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી.
બાળકો શાળામાં હાજર હતા અને આગ લાગતા જ નાસભાગ મચી ગઇ હતી.
આગના બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના 7 ફાયર ફાઈટરો લાશ્કરો સાથે સ્થળ ઉપર પહોંચી ગયા હતાં. સ્કૂલમાં શોર્ટ સર્કિટના કારણે ત્રીજા માળે એમ.સી.બી.માં આગ લાગતા ધુમાડા ના ગોટે ગોટા નીકળતા હોય વિદ્યાર્થીઓ ગભરાઇ ગયા હતા. ફાયરના લાશ્કરો ફાયર સેફ્ટી સાથે ત્રીજા માળે પહોંચ્યા હતા અને ત્રીજા, ચોથા અને પાચમા માળે ફસાયેલા 450 ઉપરાંત વિદ્યાર્થીઓને સ્કૂલની ઇમરજન્સી વિન્ડો તેમજ મુખ્ય દરવાજાથી સિડીનો ઉપયોગ કરી સલામતરીતે બહાર કાઢતા વાલીઓ અને શિક્ષકોએ હાશકારો અનુભવ્યો હતો.
આ ઘટનામાં એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો,બાકી તમામ વિદ્યાર્થીઓ હેમખેમ રહયા હતા.