વડોદરામાં વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે અને ચોમાસામાં હવે જર્જરિત મકાનો લોકો માટે જોખમ રૂપ બન્યા છે ત્યારે વડોદરાના વાઘોડિયા રોડ પર વર્ષ 2010-11માં બનેલ બીએસયુપી આવાસનાં 356 મકાનો ખંડેર બન્યા છે અને માત્ર 12 વર્ષમાં જ ખખડધજ થઈ ગયેલા આવાસ ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહયા છે.
આ અંગે લોકોના વિરોધ બાદ આખરે પાલિકાની એફોર્ડેબલ હાઉસિંગની ટીમ અને સ્થાનિક કાઉન્સિલરના નિરીક્ષણ દરમિયાન 11 ટાવરનાે દરેક ચોથો માળ જર્જરીત હોવાનું અને સળિયા કટાઈ ગયા 11 ટાવરના 44 મકાનોના સ્લેબના સળિયા સડી જતા આ આવાસો ભયજનક બન્યા હોવાનું સામે આવ્યુ છે.
હજુ બે દિવસ પહેલા જ પંખા સાથે છતના પોપડા વૃદ્ધા પર પડતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા આ બનાવથી રહીશો ગભરાઈ ગયા છે.
બીજીતરફ જામનગરમાં 3 માળની ઇમારત ધરાશાયી થતાં 3નાં મોતની ઘટના બનતા વડોદરામાં વાઘોડિયા રોડના આવાસોમાં રહેતા રહીશો ભયભીત બની પોતાના મકાનોમાંથી બહાર નીકળી ગયા હતા.
વાઘોડિયા રોડના જીવન નગરના 356 મકાનમાં રહેતા લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. તેમાંય દરેક ટાવરનો ચોથો માળ અત્યંત જોખમી બન્યો છે. 11 ટાવરના 44 મકાનોની છતના પોપડા પડી રહ્યા છે. જેના કારણે 44 પરિવારો ઉપર જીવ સામે જોખમ ઉભું થયું છે,તેવામાં પાલિકાએ જામનગર જેવી દુર્ઘટના બને તે પહેલાં પગલાં ભરવા માંગ ઉઠી છે.