રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ જતા હવે વહીવટ વિભાગ પણ તકેદારીના ભાગરૂપે સજ્જ બન્યું છે ત્યારે વડોદરા જિલ્લામાં વાવાઝોડા, વરસાદ અને પૂરની સ્થિતિ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે.
વડોદરા જિલ્લા કલેકટર કચેરી સ્થિત આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જિલ્લામાં ગ્રામસ્તર સુધી આપત્તિ / હોનારતો સમયે બચાવ માટે પગલાં ભરવામાં આવે છે અને ખાસ કરીને ચોમાસા દરમિયાન વાવાઝોડું કે ભારે વરસાદ અને પૂરની સંભાવનાઓ વખતે તકેદારીના પગલાં ભરવામાં આવતા હોય છે.આ ઉપરાંત આગ, મોટા અકસ્માતો અને મકાન તૂટી પડવા જેવી હોનારતો બનતી હોય છે.
આવી ઘટનાઓની તાલુકા તંત્રો દ્વારા આપત્તિ વ્યવસ્થાપન વિભાગને જાણ કરવામાં આવે છે. તેની સાથે ઘટનાના સ્થળેથી જ જાગૃત નાગરિકો, આગેવાનો દ્વારા જો આપત્તિ વ્યવસ્થાપન વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવે તો ઝડપ થી પ્રતિભાવ આપી શકાય, રિન્સપોન્સ ટાઇમ ઘટે અને બચાવ અને રાહતનું અસરકારક સંકલન કરી શકાય તે માટે ડીપીઓ વડોદરા બંટીશકુમાર લક્ષ્મણભાઈ પરમારે આવી કટોકટી દરમિયાન મોબાઈલ નં.8866621514 પર તેમને ત્વરિત જાણ કરવા જણાવાયુ છે.